મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

રાજીવ ગાંધી ત્યારે સરકારી કામથી લક્ષદ્વીપ ગયા હતા:ફરવા ગયાનો દાવો પાયાવિહોણો :પૂર્વ વાઇસ એડમિરલનો ખુલાસો

વિનોદ પસરિચા ડિસેમ્બર 1987માં વિરાટના કમાન્ડિંગ ઓફિસર :એ વખતે સ્વ, રાજીવ ગાંધીએ યુદ્ધજહાજની સવારી કરી હતી

નવી દિલ્હી : પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કર્યો હોવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ આક્ષેપનો આઈએનએસ વિરાટના પૂર્વ કમાન્ડિંગ ઓફિસરે છેદ ઉડાવી દીધો છે.

રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિચા ડિસેમ્બર 1987માં વિરાટના કમાન્ડિંગ ઓફિસર હતા, એ જ વખતે રાજીવ ગાંધીએ આ યુદ્ધજહાજની સવારી કરી હતી.વાઇસ એડમિરલ પસરિચાએ એ વાતને નકારી કરી દીધી છે કે રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને ઇટાલિયન સાસુ માટે આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો.

વિનોદ પસરિચાનું કહેવું છે, રાજીવ ગાંધી ત્યારે સરકારી કામથી લક્ષદ્વીપ ગયા હતા. આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની એક બેઠક હતી અને રાજીવ ગાંધી એમાં જ ભાગ લેવા પહોંચ્યા હતા.

 રાજીવ ગાંધી કોઈ ફૅમિલી ટ્રિપ પર નહોતા ગયા. રાજીવ ગાંધી સાથે તેમનાં પત્ની સોનિયા ગાંધી. પુત્ર રાહુલ ગાંધી અને આઈએએસ અધિકારીઓ હતા.પસરિચાએ આ વાત ન્યૂઝ ચૅનલોને કહી છે.

રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધીનાં માતાપિતા યુદ્ધજહાજમાં હોવાની વાતને પસરિચાએ નકારી કાઢી છે.

વડા પ્રધાન મોદીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર આ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

(12:00 am IST)