મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

કોરોનાના કહેર વચ્ચે ખેડૂત આંદોલન સ્થગિત કરવા કૃષિમંત્રીની અપીલ: કહ્યું - સરકાર હંમેશ માટે વાતચીત કરવા માટે તૈયાર

ખેડૂતોના મનમાં કૃષિ કાયદાને લઇ શંકા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે:કૃષિમંત્રીએ ખેડૂતોને પોતાના ઘરે જવા પણ સૂચન કર્યું

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થઇ જ રહ્યો છે મૃત્યુદર પણ વધી રહ્યો છે. જેને લઇ દિલ્લીની સરહદો પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે અપીલ કરી છે.

કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતો આંદોલન છોડી સરકાર સાથે વાતચીત માટે પહેલ કરે. ખેડૂતો સાથે સરકાર હંમેશ માટે વાતચીત કરવા તૈયાર છે, જો ખેડૂતો આંદોલન સ્થગિત કરી વાતચીત માટે આવશે તો સરકાર તૈયાર છે અને જે ખેડૂતોના મનમાં કૃષિ કાયદાને લઇ શંકા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે. સાથે સાથે તેઓએ ખેડૂતોને પોતાના ઘરે જવા પણ સૂચન કર્યું હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતો કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે. સરકાર સાથે અનેક બેઠક બાદ પણ કોઇ સમાધાનકારી નિર્ણય થઇ શક્યો નથી. ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સ્થિતિને જોતા કૃષિમંત્રીએ આંદોલન સમેટવાની વાત ખેડૂતો સમક્ષ મુકી છે ત્યારે જોવું રહ્યું કે હવે શું રસ્તો નીકળશે.

(8:27 pm IST)