મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

છેલ્લા છ સપ્તાહમાં વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો

વિશ્વભરમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે : તુર્કી-પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ, થાઇલેન્ડમાં કેસોની સંખ્યા કાબૂમાં લેવા સરકારનો સંઘર્ષ

વોર્સો, પોલેન્ડ , તા.૧૦ : દુનિયાભરમાં કોરોના મહામારી કાબૂ બહાર જઇ રહી હોવાને કારણે તુર્કી અને પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસોની સંખ્યાને કાબૂમાં લેવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે. પાકિસ્તાનમાં આંતરિક મુસાફરી પર પણ બંધી મુકવામાં આવી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રવક્તા ડો. માર્ગારેટ હેરિસે જણાવ્યું હતું કે દુનિયાભરામાં છેલ્લા સપ્તાહથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હવેે ત્રણ સપ્તાહથી તો મરણાંક પણ વધી રહ્યો છેવિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ટેડરોસ એન્ધાનોમ ઘેબ્રેયેસસે કોરોના રસીકરણ મામલે પ્રવર્તતા અસંતુલનને આઘાતજનક ગણાવતા જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની રસીના કુલ ૭૦ કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાંથી ૮૭ ટકા ડોઝ ધનિક દેશોમાં અપાયા છે. સમૃદ્ધ દેશોમાં દર ચાર માણસમાંથી એક માણસને કોરોનાની રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે તેની સામે ઓછી આવક ધરાવતાં દેશોમાં દર ૫૦૦ જણે એક જણને કોરોનાની રસી મળી છે. તુર્કીશ ઇન્ટેન્સિવ કેર એસોશિએશનના વડા ઇસ્માઇલ સિનેલે જણાવ્યું હતું કે આઇસીયુ હજી ભરચક થયા નથી પણ દરરોજ કેસની સંખ્યા અને મરણાંક વધી રહ્યો છે. ઈરાનમાં ૨૫૭ શહેરોમાં દસ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પણ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

થાઇલેન્ડમાં પણ નવા વર્ષની સોંગકર્ણ રજાઓમાં લાખો લોકો પ્રવાસ કરતાં હોવાથી સરકારે નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. જાપાનમાં પણ સરકારે ઓલિમ્પિક પૂર્વે આકરાં નિયંત્રણો લાદવાની જાહેરાત કરી હતી. માત્ર જ્યાં રસીકરણ મોટાપાયે થયું છે તે દેશો ઇઝરાયલ, યુએસ અને યુકેમાં સ્થિતિ કાબૂ હેઠળ છે પણ નવા કેસોની સંખ્યામાં તો વધારો જોવા મળ્યો છે.યુરોપમાં જર્મની અને પોલેન્ડમાં રસીકરણને વેગ આપવા માટે ડોક્ટરો તેમાં મોટાપાયે જોડાઇ રહ્યા છે. આમ છતાં જર્મનીમાં આઇસીયુમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

વિશ્વઆરોગ્ય સંસ્થાએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવા વચ્ચે કોઇ સીધી કડી હોવાનું સ્થાપિત થઇ શક્યું નથી. સપ્તાહના આરંભે યુરોપિયન અને યુકેના મેડિસિન રેગ્યુલેટર્સે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી અને લોહી ગંઠાઇ જવાના કેસો વચ્ચે કડી હોવાની શક્યતા છે તેમ જણાવી યુકેમાં ૩૦ વર્ષથી ઓછી વયના લોકોને વૈકલ્પિક રસી આપવાની ઓફર આપવામાં આવી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં કોરોનાની રસીની માગ વધવાને કારણે રસીનો પુરવઠો ઘટવા છતાં કોવાક્સ કાર્યક્રમ હેઠળ તમામ સભ્ય રાષ્ટ્રોને વર્ષના પ્રથમ મહિનામાં કોરોનાની રસીની ડિલિવરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કોરોનાની રસીની ઇન્ટરનેશનલ ડિલિવરી કરવામાં આવી તે પછી ૧૦૦ જેટલા દેશોમાં કોરોનાની રસી પહોંચાડવામાં આવી છે.

 અત્યાર સુધીમાં ખંડોમાં પથરાયેલાં દેશોમાં ત્રણ રસી ઉત્પાદકો એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર-બાયોએનટેક અને સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ ૩૮ મિલિયન કરતાં વધારે કોરોના રસીના ડોઝ પુરાં પાડયા છે.

જે ૧૦૦ દેશોને કોરોના રસી પહોંચતી કરવામાં આવી છે તેમાંથી ૬૧ દેશો ઓછી આવક ધરાવતાં દેશો છે જેમને ગાવી દ્વારા ખરીદવામાં આવેલી રસી પુરી પાડવામાં આવી છે. દરમ્યાન જાપાનમાં કોરોનાના સાજા થયેલા દર્દીમાં ફેફસાંનું પ્રત્યારોપણ કર્યું છે. ક્યોટોની હોસ્પિટલમાં ૩૦ ડોકટરોએ ૧૧ કલાક ઓપરેશન કરી સિદ્ધિ મેળવી હતી.

નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગે કોરોનાના નિયમોનો ભંગ કરી તેમના ૬૦મી વર્ષગાંઠની પાર્ટી કરતાં તેમને ૨૦,૦૦૦ ક્રોનર્સ (રૂ..૭૫ લાખ )નો દંડ કરવામાં આવ્યો હતો. વડાંપ્રધાન સોલબર્ગે ફેબુ્રઆરીમાં  સ્કી રિસોર્ટમાં યોજાયેલી પાર્ટીમાં નિયમોનો ભંગ થયો હોવાનું સ્વીકાર્યું હતું. પડોશી દેશ સ્વિડનના વડાપ્રધાન સ્ટેફાન લોફવેન પણ માસ્ક પહેર્યા વિના શોપિંગ કરતાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો.

(7:59 pm IST)