મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

ખેડૂતોએ હરિયાણામાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોની આંદોલન જારી : સરકારે ૨૨ જાન્યુઆરી બાદ ખેડૂતો સાથે વાત કરી નથી, દેશભરમાં આંદોલન ફેલાવાનો ખેડૂત નેતા ટિકૈતનો દાવો

નવી દિલ્હી, તા.૧૦ : મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે ફરી એક વખત હરિયાણામાં કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને હાઈવે ચક્કાજામ કર્યો હતો. ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અને ખેડૂત નેતા રાકૈશ ટિકેતે કહ્યુ હતુ કે, અમે ૨૨ જાન્યુઆરી બાદ સરકાર સાથે કોઈ વાતચીત કરી નથી. હવે અમે આખા દેશના ખેડૂતોને નવા કાયદા અંગે જાણકારી આપવામાં વ્યસ્ત છે. આંદોલન હવે આખા દેશમાં ફેલાઈ રહ્યુ છે અને માત્ર એક કે બે રાજ્યો સુધી સિમિત રહેવાનુ નથી.

સરકારને પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેવા દો.અમે લાંબુ આંદોલન ચલાવવા માટે તૈયાર છે.સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો હિંસક સંઘર્ષ કરે પણ અમે લોકોન શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. અન્ય ખેડૂત આગેવાન ડો.દર્શન પાલે કહ્યુ  હતુ કે, આગામી દિવસોમાં આંદોલન દિલ્હીની સીમા પર કેવી રીતે ચાલુ રાખવુ તેની યોજના બનાવાઈ રહી છે.

સરકાર જાણી જોઈને અમારી સાથે વાટાઘાટો કરવામાં મોડુ કરી રહી છે.જેથી ખેડૂતો નારાજ થઈ રહ્યા છે. ઉનાળાની આકરી ગરમી માટે વ્યવસ્થઆ કરવામાં આવી રહી છે. ખેડૂત આંદોલન બીજા રાજ્યોમાં ફેલાઈ રહ્યુ છે. બીજા નેતાઓએ કહ્યુ હતુ કે, સરકાર અમારી ઉપેક્ષા કરી રહી છે પણ અંદરથી હલી ચુકી છે.અમે ખેડૂત આંદોલન ચાલુ રાખીશુ અને કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી લડત આપીશું.

(7:53 pm IST)