મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

બંગાળમાં ચૂંટણી માહોલમાં કોરોનાને મોકળું મેદાન: એક મહિનામાં 15 ગણો વધ્યો કોરોના

એક્ટિવ કેસમાં છ ગણો વધારો : છેલ્લા 30 દિવસમાં મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધ્યો

કોલકતા :પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય ઉત્સાહ સાથે કોરોના વાઈરસ તેની ચરમ સીમાએ છે. છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં 15 ગણો વધારો થયો છે. તે જ સમયે સક્રિય કિસ્સાઓમાં પણ 6 ગણો વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં બંગાળમાં 3,648 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો વર્ષ 2021માં સૌથી વધુ છે. શુક્રવારે આરોગ્ય વિભાગે એક મીડિયાને માહિતી આપી છે કે રાજ્યમાં દર્દીઓની સંખ્યા નવા આંકડા સહિત 6 લાખ 6,455 પર પહોંચી ગઈ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 10,378 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક મહિના પહેલા એટલે કે 10 માર્ચે બંગાળમાં 241 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તે દરમિયાન સક્રિય દર્દીઓનો આંકડો 3,127 હતો. તે દિવસે બે લોકોના મૃત્યુ થયા હતા. 10 માર્ચથી 10 એપ્રિલ સુધીમાં 241થી વધીને 3,648 થયો હતો. 10 માર્ચે સક્રિય કેસ 3,127 હતા અને 10 એપ્રિલે આ આંકડો 18,603 પર પહોંચ્યો હતો. આ સિવાય છેલ્લા 30 દિવસમાં મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો થયો છે.

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે મતદાન શરૂ થયું. આ પ્રક્રિયા 29 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ રાજકીય તબક્કામાં રાજકીય પક્ષોએ રાજ્યમાં જોરદાર પ્રચાર કર્યો હતો. આ સમય દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને મોટી મોટી રેલીઓ, સભાઓ અને રોડ શો કરીને જાણ મેદની ઊભી કરી હતી. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર મત ગણતરી 2જી મેએ થવાની છે.

3થી 9 માર્ચની વચ્ચે બંગાળમાં સાપ્તાહિક કેસો 1,539 પર હતા. 3થી 9 એપ્રિલની વચ્ચે તે વધીને 16,533 થઈ ગયા. આ સમયગાળા દરમિયાન 10 ગણો વધારો નોંધવામાં આવ્યો છે. આ સિવાય સાપ્તાહિક મોતનો આંકડો પણ 11થી 43 સુધી પહોંચ્યો હતો. જ્યારે કોલકાતામાં 6 મૃત્યુ થયાં, ત્યારે એક દર્દીએ હાવડા અને મુર્શીદાબાદમાં પોતાનો જીવ ગુમાવ્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર તમામ 8 મૃત્યુ ગંભીર માંદગીને કારણે થયા હતા, જ્યાં કોવિડ-19 આકસ્મિક હતું.

(7:13 pm IST)