મુખ્ય સમાચાર
News of Friday, 10th April 2020

સપ્લાય ચેન વેરવિખેર : ખાદ્યચીજોના ભાવ ત્રણ ગણા વધ્યા

યાર્ડોમાં આવતો માલ ઓછો થઇ ગયો : જે આવે છે તેનું ટ્રાન્સપોર્ટેશન વધી ગયું : લોડીંગ - અનલોડીંગ માટે મજુરો નહિ મળતા તેની અછત

નવી દિલ્હી તા. ૧૦ : હિન્દુસ્તાન ટાઇમ્સે ઓફિશ્યલ અને માર્કેટના આંકડાઓની કરેલ સમીક્ષા અનુસાર કોરોના સામે લડવા માટે ત્રણ સપ્તાહના આપવામાં આવેલ લોકડાઉનના લીધે સપ્લાય ચેનને થયેલ નોંધપાત્ર અસરના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ગયા મહિનાની સરખામણીમાં ત્રણ ગણા જેટલો ઉછાળો આવ્યો છે.

ગ્રાહક બાબતોના મંત્રાલય અને ડઝનેક એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટિઓના આંકડાઓ અનુસાર ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાના ત્રણ મુખ્ય કારણો છે.

એક, એપીએમસીમાં આવતા કૃષિ ઉત્પાદનોની આવક લગભગ ૬૦ ટકા જેટલી ઘટી છે. બીજું, રોડ ટ્રાન્સસ્પોર્ટેશનના દરો ઘણાં વધી ગયા છે કેમકે ટ્રકોને લોકડાઉનમાં છૂટછાટ હોવા છતાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવામાં ઘણી બધી હેરાનગતિ ભોગવવી પડે છે. ત્રીજું, કવોરન્ટાઇન અને લોકડાઉનના કારણે લોડીંગ, અનલોડીંગ અને માલની સાફસફાઇ માટે મજૂરોની અછત છે.

જીનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાએ ૮ એપ્રિલના પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ભારતમાં લોકડાઉનના કારણે ૪૦ કરોડ ગરીબ ભારતીયોની આવક બંધ થઇ ગઇ છે. અત્યારે પ્રતિબંધો અને નિયમોના કારણે સપ્લાયને અસર થઇ છે પણ થોડા જ સમયમાં તેનાથી ઉલ્ટું બનશે અને માંગને અસર થવા લાગશે.

દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનાં એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે, આવકમાં ઘટાડો થવાના કારણે આગામી મહિનાઓમાં માંગ ઘટશે. ખાદ્ય પદાર્થોનો વપરાશ ઘટવાનું પરિણામ કુપોષણમાં આવશે.(

(11:27 am IST)