મુખ્ય સમાચાર
News of Tuesday, 10th April 2018

ચંદા કોચરે આઇસીઆઇસીઆઇ બેંકનું સીઇઓનું પદ છોડવું પડે તેવી શક્યતાઃ બોર્ડની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ કરોડોના લોન કૌભાંડમાં આઇસીઆઇસીઆઇ બેંકના સીઇઓ ચંદા કોચરનું સીઇઓનું પદ જોખમમાં મુકાયું છે અને આગામી સપ્તાહમાં યોજાનાર બોર્ડની મિટીંગમાં મહત્‍વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ચંદા કોચર વિરૂદ્ધ થયેલી તપાસ પછી બોર્ડ તેમના કાર્યકાળ વિશેનો મહત્વનો નિર્ણય લઈ શકે છે. વીડિયોકોન-ICICI બેન્ક મામલા સાથે જોડાયેલા બે લોકોએ માહિતી આપી છે કે ચંદા કોચરના પતિ અને વીડિયોકોન ગ્રૂપ વચ્ચે બિઝનેસ ડીલના મામલમાં તપાસ એજન્સીઓને નવી માહિતી મળી છે. 

ચંદા કોચરના પતિ દીપક કોચરની વીડિયોકોન ગ્રૂપ સાથેની પાર્ટનરશીપ અને ગ્રૂપને લોન આપવામાં થયેલા ભ્રષ્ટાચારના મામલાની CBI તપાસ ચાલી રહી છે. હાલમાં થઈ રહેલા લેટેસ્ટ ડેવલપમેન્ટ પછી બેન્કના ઇ્ન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ અને નિયુક્ત ડિરેક્ટર્સ વચ્ચે અનૌપચારિક બેઠક થઈ શકે છે. આ બેઠકમાં સ્ટાફના મનોબળ તેમજ રોકાણકારોના ભરોસા જેવા મુદ્દાઓની ચર્ચા થઈ શકે છે. 

બોર્ડે 28 માર્ચે આ મામલે બેઠક કરી હતી. 10 દિવસ પહેલાં ચંદા કોચરમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું નિવેદન જારી કર્યું પછી ઘણી ઘટનાઓ બની છે. પછી કોચર ફેમિલીના સભ્ય સામે લૂકઆઉટ સર્ક્યુલર્સ, બોર્ડમાં નવા સભ્ય સહિતની બાબતોની બોર્ડમાં ચર્ચા થઈ શકે. જોકે, ICICI બેન્કે ચાલુ સપ્તાહે કોઈ બોર્ડ મીટિંગ નહીં હોવાનું જણાવ્યું છે.

આ મામલા સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે બોર્ડના વલણ વિશે અલગઅલગ વિચાર હોઈ શકે છે પણ થોડા સમય પહેલાં બોર્ડે પોતાના સીઇઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે કંપનીના હિતને જોઈને ચંદા કોચર પોતે જ પદ છોડી શકે છે. જો આવું થશે તો એ તેનો વ્યક્તિગત નિર્ણય હશે. બેન્ક અધિકારીઓનું કહેવું છે કે ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લાગ્યા પછી પણ ચંદા કોચર પોતાનું કામ પહેલાંની જેમ જ કરી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે બોર્ડ પર ચંદા કોચરને તેના પદ પરથી હટાવવાનું દબાણ છે પણ આ મામલા સાથે જોડાયેલા બેન્ક અધિકારીઓનું કહેવું છે કે બોર્ડ પર કોઈ દબાણ નથી. સીબીઆઇ અને ઇન્કમ ટેક્સ વિભાગ આ મામલામાં હજી તપાસ કરી રહી છે.

(6:19 pm IST)