મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

અકસ્માત બાદ સારવાર ન કરાવનારા કાર ચાલકને સજા

મુંબઈના કાર ચાલકને બે વર્ષે કોર્ટે સજા ફટકારી : મુંબઈના મરીન ડ્રાઈવની નજીક ટુ વ્હીલર ઉપર સવાર ગુજરાતી કપલને એપ્રિલ ૨૦૧૯માં અકસ્માત થયો હતો

મુંબઈ, તા. ૧૦ : જો તમારા કારણે અકસ્માતમાં કોઈ ઘાયલ થાય તો તે વ્યક્તિને હોસ્પિટલ લઈ જવો કે તેને સારવાર મળે તેના માટે વ્યવસ્થા કરવી તે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૩૪(એ) તમારી ફરજ છે. જો આમ ના કરો તો કસૂરવાર ઠરવા પર છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. આવા જ એક કિસ્સામાં મુંબઈમાં એક ગુજરાતી કપલને ઉડાવનારા કારચાલકને પોણા બે વર્ષ બાદ કોર્ટે સજા ફટકારી છે.

ઘટનાની વિગત એવી છે કે, મુંબઈના મરીન ડ્રાઈવ પાસે ટુ વ્હીલર પર સવાર ગુજરાતી કપલને એપ્રિલ ૨૦૧૯માં એક કારચાલકે ટક્કર મારી હતી. આરોપી સુદીપ મજુમદાર આ ઘટના બાદ ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડેલા કપલને દવાખાને લઈ જવાના બદલે ત્યાંથી કાર લઈ ભાગી છૂટ્યો હતો. જેની સામે અકસ્માતનો ભોગ બનનારા અભય શાહે ૨૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અકસ્માતમાં અભય શાહને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમણે કોર્ટમાં અકસ્માત કરનારા સુદીપ મજુમદારને ઓળખી બતાવ્યો હતો. અકસ્માત થયો ત્યારે એક પોલીસકર્મી પણ ત્યાં દોડીને પહોંચ્યો હતો, અને તેણે નાસી ગયેલા કારચાલકનો નંબર લખીને અભય શાહને આપ્યો હતો. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી અને બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો.

કોર્ટમાં આરોપીના વકીલે તેઓ બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાનું નકાર્યું હતું. કોર્ટે પણ આ આરોપમાં તેને નિર્દોષ કરાર આપ્યો હતો. બીજી તરફ, આરોપીએ પોતે કાર ચલાવી રહ્યો હોવાનું કબૂલ્યું હતું. ફરિયાદ પક્ષે આરોપી અકસ્માત કર્યા બાદ ઘાયલને મદદ કરવા ઉભા ના રહ્યા હોવાનું કોર્ટમાં સાબિત કર્યું હતું. આરોપીએ પણ પોતાના પર લાગેલા આ આરોપોનો સ્વીકાર કર્યો હતો.

આરોપી કારચાલક પર જે બે આરોપ સાબિત થયા હતા તે બંનેમાં છ મહિનાની વધુમાં વધુ સજાની જોગવાઈ છે. જોકે, કોર્ટને બચાવ પક્ષ દ્વારા જણાવાયું હતું કે, આ મામલે તેમને ફરિયાદ પક્ષ સાથે કોર્ટ બહાર સમાધાન થઈ ગયું છે.

કોર્ટે તેની નોંધ લેતા જણાવ્યું હતું કે, જો બંને પક્ષોને સમાધાન થઈ ગયું હોય તો આ કિસ્સામાં આરોપીને મહત્તમ સજા કરવાનો કોઈ મતલબ નથી. આ સાથે કોર્ટ દ્વારા આરોપીને એક હજાર રુપિયા દંડ ભરીને કેસ બંધ કરી દેવા જણાવાયું હતું.

(9:02 pm IST)