મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કોંગ્રેસ કન્ફ્યુઝ્ડ, ન દેશનું કે પોતાનું ભલું કરી શકે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભામાં વડાપ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર : ખેડૂતોએ આ કાયદા માગ્યા નથી ત્યારે આ કેમ?: મોદીના ભાષણ દરમિયાન કોંગ્રસના સભ્યોએ વોકઆઉટ કર્યો

નવી દિલ્હી : રાષ્ટ્રપતિના ભાષણ અંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત નવા કૃષિ કાયદાઓને લઈને પણ ચર્ચા કરી હતી. જોકે, વડાપ્રધાન કૃષિ કાયદાઓ અંગે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાને કોંગ્રેસ પર સીધા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એટલી કન્ફ્યુઝ છે કે એક જૂથ રાજ્યસભામાં અલગ સ્ટેન્ડ રાખે છે જ્યારે બીજુ જૂથ લોકસભામાં અલગ સ્ટેન્ડ રાખે છે. આવી પાર્ટી ના તો પોતાનું ભલું કરી શકે છે ના તો દેશનું ભલું કરી શકે છે. તેમના ભાષણ દરમિયાન કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

જ્યારે કોંગ્રેસી સંસાદોએ કહ્યું હતું કે, ખેડૂતોએ આ કાયદા માંગ્યા નથી ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે પ્રત્યેક બાબત જનતા માંગે ત્યારે મળે તે યોગ્ય નથી. જનતાએ આયુષ્યમાન ભારત યોજના પણ માંગી ન હતી, પરંતુ અમે તે લઈને આવ્યા. જનધન ખાતા માટે પણ કોઈએ આંદોલન કર્યું ન હતુ, પરંતુ અમે તે યોજના લઈને આવ્યા.

તેણે વધારે પ્રહારો કરતા કહ્યું હતું કે, દહેજ વિરુદ્ધ કોઈએ કાયદાની માંગ કરી ન હતી, ટ્રિપલ તલાકના કાયદાની માંગણી પણ કોઈએ કરી ન હતી. બાળ વિવાહ, શિક્ષા પર અધિકાર વગર માગ્યે આપવામાં આવ્યા હતા. આટલા સુધારા થયા અને જનતાએ પણ આ પરિવર્તનનો સ્વીકાર કર્યો છે કે નહીં તે તમામ લોકો જાણે છે.

આપણે ત્યાં એગ્રીકલ્ચર સમાજના કલ્ચરનો ભાગ છે. આપણા તહેવારો, ઉત્સવો બધા જ રોપણી કર્યા અને કાપવા સાથે જોડાયેલા છે. આપણો ખેડૂત આત્મનિર્ભર બને, પોતાનો પાક વેચવાની આઝાદી મળે, તે દિશામાં કામ કરવાની જરૂરીયાત છે. ખેતીની અંદર જેટલું રોકાણ વધશે તેટલી રોજગારીની તકો પણ વધશે. આપણે કોરોના કાળમાં કિસાન રેલનો પ્રયોગ કર્યો છે. આ ટ્રેન ચાલતી-ફરતી કોલ્ડ સ્ટોરેજ છે. શરદ પવારે પણ સંસદમાં કૃષિ સુધારાની વકિલાત કરી હતી. ફક્ત રાજકારણ માટે જ કૃષિ કાયદાઓનો વિરોધ કેમ.

વડાપ્રધાન મોદીએ વધુ એક વખત આંદોલનજીવીઓ પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન પવિત્ર છે તે વાતને હું માનું છું. પરંતુ આ આંદોલનજીવી ખેડૂતોના પવિત્ર આંદોલનને અપવિત્ર કરી રહ્યા છે. હું પૂછવા ઈચ્છું છું કે આંદોલનમાં આતંકવાદીઓ અને નક્સલવાદીઓની મુક્તિની આઝાદી કેમ માંગવામાં આવી રહી છે? તોડફોડ કરવાથી આંદોલન કલંકિત થાય છે. પંજાબમાં ટેલિકોમ ટાવરો તોડવાનો ખેડૂતોના આંદોલન સાથે શું સંબંધ છે? દેશને આંદોલનકારીઓ અને આંદોલનજીવીઓ વચ્ચેનો ફરક નક્કી કરવો પડશે.

(9:01 pm IST)