મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

અવની વાઘણને મારવાનો કેસ :મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ: કહ્યું આદેશનો ભંગ કરાયો

વાઘણ અવનિની હત્યા કરનારાઓને એવોર્ડ આપવાની જાહેરાત કરવા બદલ અવમાનનાની નોટિસ ફટકારી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ વિકાસ ખર્ગ આઈએએસ અને આઠ અન્ય લોકોને 2018માં યવતમાલ જિલ્લામાં વાઘણ અવનિની હત્યા કરનારાઓને એવોર્ડ આપવાની જાહેરાત કરવા બદલ અવમાનનાની નોટિસ ફટકારી હતી.સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વન્યપ્રાણી સંશોધનકાર સંગીતા ડોંગરા દ્વારા દાખલ કરેલી અવમાનનાની અરજી પર નોટિસ ફટકારી હતી. જેમાં જણાવ્યું છે કે અદાલતના આદેશનો ભંગ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સંગીતા ડોંગરાએ એવો આક્ષેપ કર્યો કે વન અધિકારીઓએ ‘અવની’ નામની વાઘણને એક ખોટા આરોપ કે તે આદમખોર હતી અને તેણે 13 લોકોની હત્યા કરી હતી, તેથી મારી હતી. ડોંગરાએ રજૂઆત કરી હતી કે વાઘણના પોસ્ટ મોર્ટમ અહેવાલમાં બહાર આવ્યું છે કે તે આદમખોર નથી. આ મુદ્દે સીજેઆઈએ પૂછ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ કહેવું શક્ય છે કે પ્રાણી આદમખોર છે કે નહીં. ડોંગરાએ સ્પષ્ટતા કરી હતી, “આદમખોર પ્રાણીઓના પેટમાં 6 મહિના સુધી માનવના વાળ, નખ, દાંત હોય છે. જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીરમાંથી આવા કોઈ માનવ અવશેષો મળ્યા નથી.

જો કે બેન્ચ આનાથી અસંતુષ્ટ જણાઈ હતી અને આ મામલે વધુ સ્પષ્ટતાની માંગ કરી હતી. ખંડપીઠે ડોંગરાને સત્તાવાર રેકોર્ડમાં સામગ્રી આપવાનું કહ્યું હતું. જેનાથી એ સાબિત કરવામાં મદદ મળે કે માનવ વાળ, દાંત કે નખ વાઘણ અવનીના આંતરડામાં મળ્યા ન હતા. તેમજ ખંડપીઠે કહ્યું કે આ અરજીમાં અદાલતે આપેલા આદેશના ભંગને લઈને એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. જે જંગલી પ્રાણીઓની હત્યા કરનારા વ્યક્તિઓને પુરસ્કાર આપવા પર પ્રતિબંધ મૂકે છે.

વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે અવનીને મારવાની મંજૂરી આપી હતી. જેને સત્તાવાર રીતે ટી-1ના તરીકે ઓળખવામાં આવે છે. તેમજ જો તેને બેભાન કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય તો કોર્ટે આદેશ કર્યો કે ટી-1ના મૃત્યુ માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ માટે કોઈ પ્રોત્સાહન કે પુરસ્કાર જાહેર ના કરવો જોઈએ. નવેમ્બર 2018માં રાતભર ચાલેલા ઓપરેશન બાદ વાઘણને મારી નાખવામાં આવી હતી. વાઘણને આ પ્રકારે મારવાની વન્ય જીવન કાર્યકર્તાઓએ નિંદા કરી હતી. જેને રાજય પ્રેરિત નકલી હત્યા કહેવામાં આવી હતી.

(7:14 pm IST)