મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

દેશના 9 રાજ્યોમાં હિંદુઓને લઘુમતીના દરજ્જાની માંગ : સુપ્રીમકોર્ટે સરકારને એક માસનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો :ભાજપ નેતા અશ્વીની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી

નવી દિલ્હી : પાંચ સમૂદાયને લઘુમતીનો દરજ્જો આપવા સંબંધિત એક અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બોદ્ધ અને પારસી એમ પાંચ સમૂદાયને લઘુમતી જાહેર કરવાના કેન્દ્ર સરકારના નોટિફિકેશનની સામે હાઈકોર્ટમાં કરાયેલી ઢગલાબંધ અરજીઓ સુપ્રીમમાં ટ્રાન્સફર કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સરકારને 4 અઠવાડિયોની અંદર જવાબ આપવાનો આદેશ આપીને નોટિસ જારી કરી છે.

ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એએસ બોપાન્ના અને વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે ગૃહમંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલય તથા લઘુમતી બાબતોના મંત્રાલયને નોટીસ પાઠવી છે.

સુપ્રીમની ખંડપીઠ વકીલ અને ભાજપ નેતા અશ્વીની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અશ્વિની ઉપાધ્યાય તેમની અરજીમાં હાઈકોર્ટમાં પેન્ડીંગ આ તમામ અરજીઓ સુપ્રીમમાં ટ્રાન્સફ કરવાની માગ કરી હતી.

 

ઉપાધ્યાયે તેમની અરજીમાં એવો આક્ષેપ કર્યો હતો કે નોટિફિકેશનમાં પાંચ સમૂદાયને લઘુમતી તરીકે જાહેર કરવામાં આવી છે અને આને કારણે એક એવી સ્થિતિ સર્જાશે કે જ્યાં પંજાબમાં બહુમતી ધરાવતા શીખ અને જમ્મુ કાશ્મીરના મુસ્લિમો લઘુમતીઓ માટેના લાભ ઉઠાવી રહ્યાં છે.

બહુમતી ધરાવતા સમૂદાયોને લઘુમતી જાહેર કરવાના મનમાન્યો અને અતાર્કિક નિર્ણય ધર્મ, જાતિ, જ્ઞાતિ,લિંગ કે જન્મસ્થાનને આધારે ભેદભાવ પ્રતિબંધના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન સમાન છે.

  પીટિશનમાં એવું પણ કહેવાયું કે નેશનલ ડેટા અનુસાર હિંદુઓ બહુમતી ધરાવતો સમૂદાય છે પરંતુ ઘણા ઉત્તર-પૂર્વોત્તર રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે. આ રાજ્યોમાં લઘુમતી સમૂદાયોને મળતાં લાભોથી હિંદુઓ વંચિત છે. અને તેથી નેશનલ કમિશન ફોર માઈનોરિટીએ આ સંદર્ભમાં લઘુમતીની પરિભાષાની વિચારણા કરવી જોઈએ.

(7:01 pm IST)