મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

મુંબઈના વર્સોવામાં ગેસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી : અનેક સિલિન્ડરો ફાટતા સ્થાનિકોમાં ભય : ચાર લોકો ઘાયલ

ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી : વિસ્તારને ખાલી કરાવાયો

મુંબઇના વર્સોવા વિસ્તારમાં  ગેસના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનામાં 4 લોકોને ઇજા થઇ છે. અંધેરી યારી રોડ પરની ઘટનામાં અનેક સિલિન્ડરો ફાટતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ઘાયલોને સારવાર માટે કૂપર હોસ્પિટલ લઇ જવાયા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે

ફાયર બ્રિગેડ અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લેવલ-2 પ્રકારની છે. ગોદામના ઘણા વીડિયોમાં સિલિન્ડર બ્લાસ્ટ સાંભળી શકાય છે. આગ સવારે 10.10 કલાકે લાગી હતી. ઘટનાને પગલે વિસ્તારને ખાલી કરી દેવાયું છે.

હજુ આગ લાગવાનું કારણ જાણી શકાય નથી પરંતુ એક ટ્વીટર યુઝરે જણાવ્યું કે ચારે બાજુ આગની જુવાળા અને ઘુમાડા દેખાઇ રહ્યા છે. ગોડાઉન રહેણાક વિસ્તાર પાસે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનું વાતાવરમ સર્જાયું છે. છેલ્લા 24 કલાકમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે

આ પહેલાં હાર્બર લાઇન પર માનખુર્દ વિસ્તારમાં લેવલ-3 પ્રકારની આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરોને 20 કલાકનો સમય લાગ્યો હતો. જેમાં એક ફાયર કર્મી ઘાયલ પણ થઇ ગયો હતો.

આગની અન્ય ઘટના મંગળવારે બપોરે 2.48 કલાકે વર્સોવામાં જ તેરે ગલીમાં એક મકાનના  પ્રથમ માળે લાગી હતી. લેવલ-1 પ્રકારની આ ઘટનામાં જો કે કોઇને ઇજા થઇ નહતી. પરંતુ ફિશ માર્કેટ પાસેની કેટલીક દુકાનો ખાખ થઇ ગઇ હતી.

(12:55 pm IST)