મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

શા માટે સરકાર તેની કંપનીઓ વેચવા કાઢવાની છે ?

જાહેર ક્ષેત્રના ૧૮૯ એકમોએ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧.૪ લાખ કરોડની ખોટનો વેપલો કર્યો છે : ૭૭ કંપનીનું નેટવર્ક ખાડે ગયું છે

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રની મોદી સરકાર શા માટે પોતાની સરકારી કંપનીઓ વેચવા પ્લાનીંગ કરી રહી છે ? જાહેર ક્ષેત્રની સાહસો - કંપનીઓના દેખાવો અંગે કેગ (સીએજી) રીપોર્ટ શું કહે છે ? તે જોઇએ.

૨૦૧૯-૨૦ના સી.એ.જી. (કેગ)ના અહેવાલ મુજબ (૧) જાહેર ક્ષેત્રના કુલ એકમો ૩૪૮ છે. (ર) કામ કરતા એકમો ૨૪૯ છે. (૩) નિર્માણાધીન એકમો ૮૬ છે. (૪) લીકવીડેશન હેઠળના એકમો ૧૩ છે.

૨૦૧૮-૧૯ દરમિયાન ૨૪૭ જાહેર એકમોએ ૧.૭૮ લાખ કરોડનો નફો કર્યો હતો.

જેમાંથી ૭૩ ટકા નફો પાવર, પેટ્રોલીયમ અને કોલસા ક્ષેત્રની ૬૩ કંપનીઓનો હતો.

૧૮૯ જાહેર ક્ષેત્રના એકમોએ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં કુલ ૧.૪ લાખ કરોડની ખોટ કરી છે.

૭૭ જાહેર ક્ષેત્રની કંપનીઓનું નેટવર્ક તદ્દન ખરાબ થઇ ગયું છે.

આ ૭૭ કંપનીઓ કુલ નેટવર્થ ૮૩૩૯૪ કરોડ રૂપિયા છે.

એ વાત જાણીતી છે કે, કેન્દ્રની મોદી સરકાર મહત્વનો નિર્ણય કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકાર બિન વ્યુહાત્મક સેકટરમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારી કરી રહી છે, ખાનગીકરણની આ નિતી હેઠળ જાહેર ક્ષેત્રનાં સાહસોની સંખ્યા લગભગ બે ડઝન સુધી લઇ જવાની તૈયારી કરી રહી છે, ઉલ્લેખનીય છે કે હાલ તેની સંખ્યા ૩૦૦થી પણ વધુ છે, તેમાંથી નુકસાન કરતા સંસ્થાનોને બંધ કરવામાં આવશે.

નિતી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોનાં આધારે કેબિનેટ પીએસયુના ભવિષ્ય માટે વેચવાનો નિર્ણય કરશે, નિતી આયોગને સંભવિત વેચાનારી કંપનીઓની એક યાદી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, બજેટમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે માત્ર ૪ સ્ટ્રેટેજીક સેકટર સિવાયનાં સાહસોમાંથી બહાર નિકળી જશે, ત્યાર બાદ માત્ર બે ડઝન જ જાહેર સેકટરની કંપનીઓ જ સરકાર પાસે રહેશે. તેમાંથી મુખ્યત્વે બેંક અને વીમા તેમાં પણ ખાસ કરીને જનરલ ઇન્સ્યોરન્સ સેકટરની હશે.

૨૦૧૮-૧૯ નાં સર્વે મુજબ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી ૩૪૮ કેન્દ્રિય જાહેર સાહસો હતાં જેમાંથી ૨૪૯ કાર્યરત હતાં, તેમાંથી ૮૬ નિર્માણાધીન હતા અને ૧૩ બંધ થઇ ચુકયા હતાં.

(12:51 pm IST)