મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

૧૮ વર્ષ પહેલા કાળિયાર કેસમાં કોર્ટને ખોટી એફિડેવિટ આપનાર સલમાને હવે માફી માગી

હથીયાર લાયસન્સ ખોવાઇ ગયાની એફિડેવિટ કરેલી, પણ હકિકતે લાયસન્સ મુંબઇ પોલીસે ડિટેઇન કર્યુ હતું: અરજીની આવતી કાલે થશે સુનાવણી

જોધપુર તા. ૧૦:  કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા સલમાન ખાન સામે વધુ એક નવી સમસ્યા આવી છે. તાજેતરમાં જોધપુર અદાલત સામે તેણે ખોટી એફિડેવિટ ફાઈલ કરવાના કેસમાં હાજર થવું પડયું હતું. તે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટ સામે હાજર રહ્યો હતો. કોર્ટની કામગીરી દરમિયાન સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, આ કેસમાં ૨૦૦૩માં ભૂલથી ખોટી એફિડેવિટ ફાઈલ કરી દેવાઈ હતી. આ મુદ્દે સલમાન ખાન માફી માગી રહ્યો છે.

કોર્ટે તેને માફી આપી દેવી જોઈએ. જો કે કોર્ટે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે આ કેસમાં સુનાવણી આવતી કાલે ૧૧ ફેબ્રુઆરીના રોજ થવાની છે. ઉલ્લેખનીય છે કે, કાળિયાર શિકાર કેસમાં કોર્ટે હથિયારનું લાઈસન્સ માગ્યું ત્યારે સલમાને લાઈસન્સ ખોવાઈ ગયાનું કહીને ખોટી એફિડેવિટ જમા કરાવી હતી. જો કે એ સમયે જ સલમાનનું લાયસન્સ મુંબઇ પોલીસના મુખ્ય કાર્યાલયમાં ડિટેઇન કરાયેલું હતું.

સરકારી વકિલ ભવાનીસિંહ ભાટીએ  એક અરજી ર્કોમાં રજૂ કરી સલમાન ખાન પર કોર્ટને ગુમરાહ કરવાનો ગુનો નોંધવાની માંગણી કરી છે. આવતી કાલે સલમાન તરફેની અરજીની સુનાવણી વખતે શું થશે એ તરફ સમગ્ર બોલીવૂડ અને કરોડો ફિલ્મીચાહકોની મીટ છે.

(12:50 pm IST)