મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ટ્રમ્પ સામે પૂર્ણ કક્ષાની કાર્યવાહી ચલાવવા યુ.એસ. સેનેટે મંજૂરી આપી

૫૬ વિ. ૪૪ મતે સેનેટમાં મહાભિયોગ કાર્યવાહી ચલાવવા મંજૂરીની મ્હોર

વોશિંગ્ટન તા. ૧૦ : અમેરિકાની કોંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી ચલાવતા પહેલા અમેરિકાની સેનેટે માન્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચલાવવામાં આવનારી મહાભિયોગની કાર્યવાહી બંધારણીય છે અને તેમણે સંપૂર્ણ કાર્યવાહીની પરવાનગી આપી છે.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે દલીલ કરી હતી કે તેમણે વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રાયલનો સામનો કરવાનો થતો નથી.  સેનેટમાં મતદાન થતા ૫૬-૪૪ની બહુમતીથી મહાભિયોગની કાર્યવાહી આગળ વધારવાની પરવાનગી મળી હતી. કેટલાંક રિપબ્લિકન્સે પણ તેનું સમર્થન કર્યું હતું.

ગયા મહિને અમેરિકી કોંગ્રેસ કેપિટલ હિલ્સમાં તોફાન થયું હતું ત્યારે ટ્રમ્પ પર 'બળવાને ઉશ્કેરવાનો' આરોપ મૂકાયો હતો.

ટ્રમ્પે ૬ જાન્યુઆરીએ આપેલા ભાષણના વીડિયો અને કથિતરૂપે તેમના કેટલાક ટેકેદારો દ્વારા આચરવામાં આવેલા હંગામાના એ વખતના દ્રશ્યોને પુરાવો અને આધાર બનાવી ડેમોક્રેટ્સે કેસ ચલાવવાની કામગીરીની માગ કરી છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આ પ્રક્રીયામાં મૂકવાં ગેરબંધારણીય છે અને ડેમોક્રેટ્સ પર આરોપ મૂકયો હતો કે આ રાજકીય રીતે પ્રેરિત છે. છ રિપબ્લિકન્સ ટ્રાયલને આગળ વધારવા માટે મતદાનમાં ડેમોક્રેટ્સ સાથે જોડાયા.

(11:38 am IST)