મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સોશ્યલ મીડિયા પર નજર રાખવા હવે સાઇબર વોલંટીયર કામ કરશે

ખાસ કરીને રાષ્ટ્રવિરોધી પોષ્ટ તેમજ પોર્નોગ્રાફી, આતંકવાદી પ્રવૃત્તિઓ કંટ્રોલ કરવાનો મુખ્ય આશય : પાયલોટ પ્રોજેકટરૂપે જન્મુ કાશ્મીરની પસંદગી

નવી દિલ્હી તા. ૧૦ : ઇન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડિયા પર થતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા હવે સરકાર 'સાઇબર વોલંટીયર'ની નિમણુંક કરવા જઇ રહી છે. જે ખાસ કરીને રાષ્ટ્રવિરોધી પોષ્ટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, આતંકવાદી પ્રવૃત્તિ પર દેખરેખ રાખશે.

આ વોલંટીયરોને એ અધિકાર અપાશે કે તે કોઇપણ કન્ટેન્ટને ફલેગ કરી દેશે. સોશ્યલ મીડિયામાં ફલેગ કરી દેવાનો મતલબ કોઇને બ્લોક કરવા અંગે પોતાનો મત આપવાનો થાય છે.

તમામ પોષ્ટની ચકાસણી કરાશે અને વાંધાજનક જણાયે કડક કાર્યવાહી કરાશે.આ પાઇલોટ પ્રોજેકટની ટ્રાયલ માટે જન્મુ કાશ્મીર અને ત્રિપુરા ક્ષેત્ર પસંદ કરાયુ છે. ત્યાંના આંકડાઓનું વિશ્લેષણ કર્યા બાદ સરકાર આગળની યોજના પર વિચાર કરશે.

વોલંટીયર માટે પણ કેટલાક નિયમો જારી કરાયા છે. જેમ કે તેઓ આ અભિયાનનો પ્રયોગ પોતાના સ્વાર્થ માટે નહીં કરી શકે. વ્યવસાયીક અને સાર્વજનિક ફાયદા માટે પણ છુટ નથી. ગૃહ મંત્રાલયના નામનો પ્રયોગ પણ નહીં કરી શકાય.

વોલંટીયરની નિમણુંક માટે પણ કેટલાક નિયમો જારી કરાયા છે. કોઇપણ ભારતીય નાગરિક આ માટે એપ્લાય કરી શકશે. નોંધણી માટે પોતાનું નામ, પિતાનું કે પતિનું નામ પ્રમાણ સાથે લખવાનું રહેશે. સાથે મતદાતા પત્ર પણ જોડવાનો રહેશે.

આ માટે ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્રનો નોડલ પોઇન્ટના રૂપમાં પ્રયોગ કરાશે. જો કે આ માટે હજુ કોઇ સ્પષ્ટ કાનુની માળખુ તૈયાર નથી કરાયુ.

પણ એટલુ નકિક છે કે સોશ્યલ મીડિયા પર સાઇબર વોલંટીયરની નજર રાખવાથી મોટો કંટ્રોલ આવી શકે છે.

(11:37 am IST)