મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ચીનની લોનજાળમાં ભૂંડી રીતે ફસાયેલુ પાકિસ્તાન નથી ચુકવી શકતુ હપ્તા : હવે રહેમની ભીખ માંગવા : કાલાવાલા

ઇસ્લામાબાદ,તા.૧૦: બેલ્ટ એન્ડ રોડ ઇનીશીએટીવ અંગે ચીનના ઝાંસામાં આવી ગયેલ પાકિસ્તાન બહુ ખરાબ રીતે ફસાઇ ગયુ છે. પાવર પ્રોજેકટ માટે ૮ વર્ષમાં કેટલીય લોન લેનાર પાકિસ્તાન હવે હપ્તા નથી ચુકવી શકતુ. એટલે હવે તે પોતાના કહેવાતા 'સદાબહાર દોસ્ત' પાસે રાહત માંગવાની તૈયારીમાં છે. જો કે આ પહેલા કેટલાય નાનકડા દેશો ચીનની આ ચાલમાં ફસાઇને પોતાનું ઘણુ બધુ ગુમાવી ચૂકયા છે.

આ બાબતની માહિતી ધરાવતા એક શખ્સ અનુસાર, લગભગ ડઝન પાવર પ્લાંટસ માટે લોનના હપ્તા ચૂકવવામાં રાહત માટે પાકિસ્તાન અને ચીન વચ્ચે અનૌપચારિક વાતચીત થઇ છે. નામ ન છાપવાની શરતે તેણે જણાવ્યુ કે ઇસ્લામાબાદે અત્યાર સુધી ઔપચારિક રીતે કોઇ અપિલ નથી કરી.પાકિસ્તાને વીજળીના અછતને દૂર કરવા માટે ચીન પાસેથી લોન લઇને આ પાવર પ્રોજેકટો સ્થાપ્યા હતા પણ ઉત્પાદન જરૂરિયાત કરતા વધારે થવા લાગ્યુ. જે પાકિસ્તાનને પોષાય તેમ નથી શ્રીલંકાથી માંડીને મલેશીયા સુધીના કેટલાય દેશો ચીનની ભારે લોનોના કારણે નુકસાન ભાગેવી ચૂકયા છે. ચીનના વિદેશ અને નાણા મંત્રાલયથી માંડીને પાકિસ્તાનના પાવર વિભાગ સુધીના બધાએ આ મામલામાં કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.ગયા વર્ષે ચીને ૧૫ આફ્રિકન દેશોને ૨૦૨૦ અંત સુધી લોન પેમેન્ટમાં રાહત આપી હતી. બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનને ગયા વર્ષે ૧૧ અબજ ડોલરના પ્રોજેકટ પર સહી કરી છે. જેમાંથી મોટાભાગના દેશની રેલ્વેની સુધારણા માટે છે. ચીનની લોનથી પાકિસ્તાને પાવર સપ્લાયમાં મદદ તો મળી પણ તેનાથી જરૂરિયાત કરતા વધારે વીજળી ઉત્પન્ન થવા લાગી. હવે પાકિસ્તાન સરકાર માટે તે માથાનો દુખાવો બની ગયુ છે. કેમ કે તે જ આ વીજળીની ખરીદનાર છે અને આ પાવર સ્ટેશનો ઉત્પાદન ન કરે તો પણ તેને પૈસા ચૂકવવા પડે છે.

(11:36 am IST)