મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કૃષિ આંદોલનમાં નવી રણનિતિ : દર અઠવાડીએ આંદોલનકારી બદલાતા રહેશે

કોઇને જાજો થાક ન લાગે અને આંદોલનનો કડપ એવોને એવો જળવાઇ રહે તેવો આશય

નવી દિલ્હી તા. ૧૦ : કૃષિ કાનુનના વિરોધમાં કુંડલી બોર્ડર પર ચાલી રહેલ આંદોલનને લઇને હવે રણનીતિ બદલાઇ રહી છે. આંદોલન લાંબુ ચાલશે તે જોતા પ્રદર્શનકારીઓએ નવી રણનીતિ તૈયાર કરી છે. જેમાં આંદોલનમાં ભીડ પણ જળવાઇ રહે અને આંદોલનકારીઓને આરામ પણ મળતો રહે. મતલબ ધરણામાં બેસેલા પ્રત્યેક આંદોલનકારીઓની ડયુટી દર સપ્તાહે બદલાતી રહેશે.

પ્રદેશના દરેક ગામોમાંથી દર અઠવાડીયે ૫૦-૫૦ લોકોની ટુકડીઓ ધરણા માટે મોકલવામાં આવે તેવી રણનીતી તૈયાર કરવામાં આવી રહી છે. આ લોકો ધરણા સ્થળે પહોંચે એટલે ત્યાં બેસેલા લોકોને તેમના ઘરે આરામ કરવા મોકલી દેવાશે. આમ આંદોલનની કડપ એવીને એવી જળવાઇ રહે તેવી વિચારણા કરવામાં આવી છે.

ભારતિય કિસાન યુનિયન (ચઢુની) ના પ્રદેશ અધ્યક્ષ ગુરૂનામ ચઢુનીએ જણાવેલ કે આ વિચાર પર કામ શરૂ કરી દેવાયુ છે. આવા આયોજનથી કોઇ એક વ્યકિતને જાજો સમય થાક નહી સહવો પડે. વળી આંદોલનની તાકાત પણ એવીને એવી જળવાઇ રહેશે.

ઉલ્લેખનીય છે કે ચઢનીએ હવે દલિત સમાજના લોકો પાસે પણ સહયોગની અપીલ કરી છે.

બીજી તરફ સોનીપતના દહિયા, આંતિલ અને ખાપોના સભ્યો સંબંધિત ગામોમાંથી ફાળો એકત્રીત કરી લંગરની વ્યવસ્થામાં લાગી ગયા છે. ગામ ખેવડાથી સર્વ સમાજના સહયોગથી ૪ લાખ જેવી રકમ પણ એકત્ર કરાઇ છે. આંતિલ ખાંપના લંગરને સહયોગમાં વપરાશે.

(11:35 am IST)