મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ભગવાન અને અલ્લાહ એક છે : ભેદભાવ ન કરો

મોડી રાત્રે ૧ સુધી લોકસભા ચાલી : હવે રાહુલ ગાંધીએ નરેન્દ્રભાઇના સમાપન પ્રવચનો ઉપર સહુની મીટ : નરેન્દ્રભાઇમાં દૈવી શકિત છે : સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે : ભાજપના બિઘૂડીએ પીએમની મુકતકંઠે પ્રશંસા કરી : હવે નાગરિકતા સંશોધન ખરડાની જોગવાઇઓ આવશે, લોકો ફરી રસ્તા પર આવશે : ઓવૈસી : આંદોલન કરનાર જે 'આંદોલનજીવી' છે તો ફાળા (ચંદા) માંગનાર 'ચંદાજીવી' છે : અખિલેશ : આઝાદ માટે રોયા તો થોડું ખેડૂતો માટે પણ રડી લ્યો : તૃણમૂલ કોંગ્રેસના ચાબખા : દેશ તૂટી જશે : ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરવાસીઓને ગળે લગાવી કામ કરો

નવી દિલ્હી તા. ૧૦ : લોકસભાની કાર્યવાહી ગઇ રાત્રે મોડે સુધી (૧ વાગ્યા સુધી ચાલી હતી. જેમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ (સપા), તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), નેશનલ કોન્ફરન્સ (એનસી) સહિતના વિરોધ પક્ષોએ મોદી સરકાર પર લોકશાહી નીતિ-નિયમોનો ઉલાળ્યો કરી દેશમાં સૌહાર્દતાના તાણાવાણા છીન્નભીન્ન કરવાના આકરા પ્રહારો કર્યા હતા.

મોડી રાત સુધી લોકસભાની બેઠક ચાલી હતી. જેમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના ભાષણ માટેના આભાર પ્રસ્તાવ ઉપર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના સંખ્યાબંધ સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

આજે સહુની નજર કોંગ્રેસના સાંસદશ્રી રાહુલ ગાંધી શું કહે છે તેના ઉપર મંડાયેલ છે, તે પછી છેલ્લે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આ ચર્ચામાં ઉભા થયેલ પ્રશ્નો અંગે તેમના અનોખા અંદાજમાં જવાબ આપી વિપક્ષોની બોલતી બંધ કરવાનો એકપણ મોકો ચૂકશે નહિ તેમ સમજાય છે.

ચર્ચાના બીજા દિવસે મોડે સુધી ચાલેલ બેઠકમાં વિપક્ષોએ ખેડૂતોની માંગ સ્વિકારવા સાથે વાતચીતના માધ્યમથી કૃષિ કાનૂન સાથે જોડાયેલ બાબતોનો હલ કરવો જોઇએ તેવી મુખ્ય વાત કરી હતી તો ભાજપે કહેલ કે મોદી સરકાર 'સહુનો સાથ સહુનો વિકાસ'ની ભાવનાથી અને વસુધૈવ કુટુંબકમની લાગણી સાથે કામ કરી રહી છે.

એક નવા ભારતની દિશામાં આ સરકાર કામ કરી રહી છે અને આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા દેશને મજબૂત બનાવવા કામ થઇ રહ્યું છે. અનેક કલ્યાણકારી યોજનાઓ સાથે આગળ વધી રહેલ છે અને નવા ભારતના સ્વપ્નાને પૂરા કરવાની દિશામાં મજબૂત કાર્ય કરી રહી છે.

કોંગ્રેસના રવનીતસિંહ બિટ્ટએ યોગેન્દ્ર યાદવનો નિર્દેશ આપતા કહેલ કે, ખાલીસ્તાની ફન્ડીંગ થઇ રહ્યું છે. તેમણે ૨૬ જાન્યુ.ની ઘટનાનો ઉલ્લેખ પણ કરેલ, પંજાબના લોકો ત્રિરંગાના અપમાન અંગે વિચારી પણ ના શકે.

કોંગી સાંસદ બોલી રહ્યા હતા ત્યારે રાજ્યના નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે કહેલ કે કૃષિ કાનૂનોમાં માર્કેટ યાર્ડો ખત્મ કરવાની વાત કહેવામાં આવી છે એવું કહી સંસદ ગૃહને ગુમરાહ કરી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષો અને સત્તા પક્ષના સાંસદો વચ્ચે ભારે ઉગ્રતા જોવા મળેલ.

શ્રીનગરના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહેલ કે, પૂર્વ વડાપ્રધાનો અને પહેલાના દિગ્ગજ નેતાઓ ઉપર અંગૂલી નિર્દેશ કરવાનું કાર્ય લોકશાહી પરંપરાની વિરૂધ્ધનું છે. તેમણે કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દૂર કરવાનો મુદ્દો પણ ઉપાડયો હતો. તેમણે કહ્યું કે, ભગવાન અને અલ્લાહ એક છે. જો તેમાં ભેદભાવ કરશો તો દેશને તોડી પાડશો.

તેમણે કહ્યું કે જો તમે કોઇ ભૂલ કરી હશે તો અમે તેને ઠીક કરીશું અને અમે ભૂલ કરી હોય તો તમે તેને સુધારજો. આ રીતે દેશ ચાલે છે. તેમણે બંધારણની જોગવાઇ ૩૭૦ હટાવી દેવાની વાત કરતા સરકારને આગ્રહ કરેલ કે તેઓ રાજ્યને જોડવાનું અને ત્યાંના (કાશ્મીરના) લોકોને 'દિલ સે લગાને કા કામ કરે.'

યુપીના પૂર્વ મુખ્યમંત્રી, સપાના અખિલેશ યાદવે કહેલ કે ભારતની પહેચાન તેની ગંગા - જમુના પરંપરા છે, તેના તાણાવાણા તોડવા જો ઠીક નથી. ખેડૂતોને તેના ઉત્પાદનો ઉપર લઘુત્તમ ટેકાની કિંમત (એમ.એસ.પી.) નથી મળી રહેલ.

યાદવે જબરા ચાબખા મારતા કહેલ કે, જો આંદોલન કરનારને 'આંદોલનજીવી' કહેવામાં આવે છે તો શું એક પક્ષના ફાળો માંગવા વાળા લોકોને શું 'ચંદાજીવી' ન કહી શકાય ? તેમણે પ્રશ્ન ઉઠાવેલ કે દેશમાં શા માટે યાર્ડો નથી બની રહ્યા ?

તૃણમૂલના સૌગત રોયે કહ્યું કે, સંસદના બીજા ગૃહમાં (રાજ્યસભામાં) વડાપ્રધાન, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની વિદાય ભાષણમાં રોય પડયા હતા. આ જ હૃદય ખેડૂતો માટે કેમ રડતું નથી ? કિસાનો માટે પણ થોડું રોઇ લ્યો.

આરએસપીના હનુમાન બેનીવાલે કહ્યું ખેડૂતો થાકવાના અને તમે આ આંદોલનને થકવી શકશો નહી. તેમણે પ્રહારો કરતા કહ્યું કે, એવું ન થાય કે ૨૦૨૪માં તમારે વિરોધ પક્ષમાં બેસવું પડે.

અકાલી દળના હરસિમરલ કૌર બાદલે કહ્યું કે, અનાજ ઉત્પાદનનું કામ કરનાર ખેડૂત આજે પોતાની વ્યાજબી માંગો માટે કાતીલ ઠંડીમાં છેલ્લા ૭૫ દિવસથી આંદોલન કરી રહેલ છે, જેમાં બાળકો, વૃધ્ધો, મહિલાઓ પણ છે.

તો એ.આઇ.એમ.આઇ.એમ.ના સાંસદ અસહુદ્દીન ઓવૈસીએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે, આ દેશમાં આંદોલનો થતા રહેશે. સરકાર સીવીલ એમેન્ડમેન્ટ એકટ (સી.એ.એ.)ના નિયમો બનાવશે, તે પછી લોકો ફરી સડકો ઉપર ઉતરી આવશે.

ભાજપ સાંસદ બિઘૂડીએ નરેન્દ્રભાઇની પ્રશંસા કરતા તેમની 'દૈવી શકિત' હોવાનું સંસદમાં જાહેર કરેલ. તેઓ દુરંદેશીથી કામ કરી રહ્યા છે અને સમગ્ર દેશને પોતાનું કુટુંબ માને છે. તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના કહેલ કે, વિપક્ષના લોકો 'માત્ર એક પરિવાર'ને કુટુંબ માને છે.

લડાખના ભાજપ સાંસદ અમયાંગ સેરિંગ નામગ્યાલે ગૃહમાં બોલતા કહ્યું હતું કે, દેશ સામે આવેલ સમસ્યાઓની સામે વડાપ્રધાને ૫૬ ઇંચની છાતી સાથે કદમ માંડેલ છે.

આ સિવાય અનેક વિપક્ષી - સત્તાધારી પક્ષના સાંસદો ચર્ચામાં જોડાયેલ.

(10:21 am IST)