મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

યુપીમાં માફિયાઓ બેફામ : પોલીસ ઉપર હુમલો : કોન્સ્ટેબલની અતી ક્રૂર હત્યા : સબ ઇન્સ. ગંભીર

શરાબ ગુંડાઓ સામે તૂટી પડવા યોગીનો આદેશ : કોન્સ્ટેબલના પરિવારને ૫૦ લાખની સહાય અને કુટુંબીજનને નોકરી : પોલીસને બંધક બનાવી ગૂમ કરી દીધેલ !!

લખનૌ તા. ૧૦ : ઉત્તરપ્રદેશના કાસગંજ ખાતે ગેરકાનૂની દારૂનો કારોબાર ચલાવી રહેલા માફીયાઓ ઉપર દરોડો પાડવા ગયેલ પોલીસ ટુકડીના પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલને બંધક બનાવી કોન્સ્ટેબલની હત્યાના બનાવમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે આરોપીઓ સામે એન.એસ.એ. હેઠળ પગલા લેવા આદેશો આપ્યા છે. શહિદ કોન્સ્ટેબલના પરિવારને ૫૦ લાખની સહાય અને તેના પરિવારજનને નોકરી આપવાની જાહેરાત પણ યોગીજીએ કરી છે.

શરાબ માફિયાઓએ બન્ને પોલીસને ગૂમ કરી દીધેલ. પાછળથી સબ ઇન્સ્પેકટર ઇજાગ્રસ્ત મળી આવેલ. જ્યારે કોન્સ્ટેબલ દેવેન્દ્રની લાશ ખેતરમાંથી મળી હતી.

કાસગંજના સિઢપુરા વિસ્તારના નગલા ધીમરનો ગામનો આ બનાવ છે. કોન્સ્ટેબલ દેવેન્દ્રની અતી ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવેલ. સબ ઇન્સ. અશોક ગંભીર છે.

પોલીસ રેડની અગાઉથી જાણ થઇ જતા શરાબ માફિયાઓ તૈયાર બેઠા હતા અને પોલીસ ઉપર હુમલો કરી બે પોલીસને બંધક બનાવી ઉપાડી ગયેલ.

દરમિયાન કાસગંજ પોલીસ હત્યાકાંડમાં રેડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો થતા વળતા એન્કાઉન્ટરમાં એક આરોપી ઠાર મરાયો છે અને બીજો ફરાર થઇ ગયો.

આ પૂર્વે ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલ પોલીસ ઉપર હુમલો થયેલ. જેમાં સંખ્યાબંધ પોલીસ શહિદ થયેલ. પાછળથી વિકાસ એક એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલ.

(10:20 am IST)