મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

બની એક ઐતીહાસીક ઘટના...

બે કટ્ટર દુશ્મન દેશ - સાથે થયા - PM મોદી માટે

દુશ્મની ભૂલીને પેલેસ્ટાઈનના વાયુક્ષેત્રમાં ઈઝરાયલી હેલિકોપ્ટરે વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરને એસ્કોર્ટ કર્યું : પ્રધાનમંત્રી મોદીને પેલેસ્ટાઈનના રામલલ્લા જવા માટે જોર્ડનના બાદશાહે મોકલ્યું પોતાનું હેલીકોપ્ટર

જોર્ડન : વડાપ્રધાન મોદીના ૩ દિવસીય વિદેશ યાત્રા દરમ્યાન આજે એક ઐતીહાસીક ઘટના બનવા પામી છે. બે કટ્ટર દુશ્મન દેશ, ઇઝરાયલ અને પેલેસ્ટાઈને, પોતાની દુશ્મની થોડા સમય માટે ભૂલી જઈ ને શ્રી મોદીના જોર્ડનથી પેલેસ્ટાઈનના હવાઈ સફર દરમ્યાન તેમની સુરક્ષા માટે, તેમના હેલીકોપ્ટરનું એકસાથે એસ્કોર્ટ કર્યું હતું.
જોર્ડનથી વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા પેલેસ્ટાઈનના રામલ્લા પહોંચ્યા હતા. ઈઝરાયલી હેલિકોપ્ટરના સુરક્ષા વચ્ચે વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈનની ધરતી પર ઉતરાણ કર્યું હતું. જો કે જોર્ડનના કિંગ અબ્દુલ્લા બિન અલ હુસૈનની સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી રોયલ એરફોર્સ જોર્ડનના હેલિકોપ્ટરમાં જ પેલેસ્ટાઈન ગયા હતા. પેલેસ્ટાઈનના વાયુક્ષેત્રમાં ઈઝરાયલી હેલિકોપ્ટરે વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરને એસ્કોર્ટ કર્યું હતું.

પશ્ચિમ એશિયાના દેશોની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે બે દુશ્મન દેશોએ થોડા સમય માટે પોતાની દુશ્મની ભુલાવી દીધી. શુક્રવારે જોર્ડનના મહેમાન બનેલા વડાપ્રધાન મોદી માટે પેલેસ્ટાઈનના રામલલ્લા જવા માટે જોર્ડનની સરકારે પોતાનું હેલિકોપ્ટર આપ્યું હતું. તો મોદીના જોર્ડનના સરકારી હેલિકોપ્ટરને પેલેસ્ટાઈનના વાયુક્ષેત્રમાં ઈઝરાયલની વાયુસેનાના હેલિકોપ્ટરે એસ્કોર્ટ કર્યું હતું. આ નરેન્દ્ર મોદીની દોસ્તીનો જ કમાલ હતો કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈને થોડા સમય માટે ભારતના વડાપ્રધાનની સુરક્ષા માટે પોતાની દુશ્મનીને બાજુએ રાખી હતી.

નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન હતા કે જેમણે ઈઝરાયલની મુલાકાત લીધી હતી અને તેની સાથે તેઓ પેલેસ્ટાઈન ગયા ન હતા. તો 10 ફેબ્રુઆરીએ મોદી પેલેસ્ટાઈન જનારા પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા છે. 1960માં તત્કાલિન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગાઝાની મુલાકાતે ગયા હતા. પણ ત્યારે પેલેસ્ટાઈનનું અસ્તિત્વ ન હતું.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસે પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ભારતના ઈઝરાયલ અને પેલેસ્ટાઈન એમ બંને દેશો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો છે. જેને કારણે વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે બંને દેશોએ થોડા સમય માટે પોતાની દુશ્મની ભૂલવાની સૌજન્યતા દાખવી હતી. 2017માં ઈઝરાયલની મુલાકાત વખતે વડાપ્રધાન મોદીનું ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તો જાન્યુઆરી માસમાં ભારતની મુલાકાતે આવેલા નેતન્યાહૂનું પણ ગર્મજોશીથી સ્વાગત કરાયું હતું.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન એવા બે દેશો છે કે તેમની સરહદે ન જાણે કેટલા લોકોના લોહી રેડાયા છે. બંને દેશ એકબીજાના અસ્તિત્વને સહન કરવા માટે તૈયાર નથી. ગાઝા પટ્ટીને લઈને બંને દેશો વચ્ચે સતત વિવાદ છે. પરંતુ હવે વડાપ્રધાન મોદીમાં પેલેસ્ટાઈનને પોતાના માટે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહબૂબ અબ્બાસે મોદીની મુલાકાત પહેલા કહ્યુ હતુ કે તેઓ વડાપ્રધાન મોદીની ઐતિહાસિક યાત્રાથી ભાવવિભોર છે. આ પ્રવાસ ભારત અને પેલેસ્ટાઈનના લોકોના ભાઈચારાવાળા સંબંધોની મજબૂતીને વ્યક્ત કરશે. મોદીએ પોતાના પેલેસ્ટાઈન પ્રવાસની શરૂઆત જોર્ડનની રાજધાની અમ્માનથી કરી હતી. અમ્માન ખાતે જોર્ડનના રાષ્ટ્રપ્રમુખે પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું અને શુક્રવારે જ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.

જોર્ડનની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા પેલેસ્ટાઈનના રામલ્લા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રામલ્લા પહોંચીને અરબી ભાષામાં ટ્વિટ કર્યું હતું. જેમા તેમણે લખ્યું હતું કે પેલેસ્ટાઈનની આ ઐતિહાસિક મુલાકાતથી બંને દેશો વચ્ચે સહયોગ મજબૂત બનશે. અહીં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસે પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું. રામલ્લા ખાતે વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા પેલેસ્ટાઈનના દિવંગત નેતા યાસર અરાફાતના મકબરા પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેમની સાથે રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસ પણ હતા.

બાદમાં વડાપ્રધાન મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. અબ્બાસીએ વડાપ્રધાન મોદીને પેલેસ્ટાઈનના સર્વોચ્ચ સમ્માન ગ્રાન્ડ કોલરથી નવાજ્યા હતા. ગ્રાન્ડ કોલર વિદેશી મહેમાનોને આપવામાં આવતું સર્વોચ્ચ સમ્માન છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ છ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને એક સંયુક્ત નિવેદન પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. પેલેસ્ટાઈનની આઝાદીના ત્રીસ વર્ષના ઈતિહાસમાં અહીં જનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે.

(10:52 pm IST)