મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

હાર્દિક પટેલ - મમતા બેનર્જી મળ્યાઃ ઘડયો BJP વિરૂધ્ધ પ્લાન

પ.બંગાળમાં ભાજપના વધતા કદને રોકવા હાર્દિક મેદાનમાં ઉતરશે

કોલકત્તા તા. ૧૦ : પાટીદાર નેતા હાર્દિક પટેલે શુક્રવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સીએમને જણાવ્યું હતું કે તે ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ માટે કેમ્પેઈન કરશે. આ દરમિયાન હાર્દિકે દાવો કર્યો કે મમતાએ તેને પોતાની પાર્ટી જોઇન કરવાનું પણ આમંત્રણ આપ્યું છે.

હાર્દિકે મમતાને 'લેડી ગાંધી' તરીકે પણ સંબોધન કર્યું હતું. હાર્દિકની મમતા બેનરજી સાથેની મુલાકાતથી રાજકારણ પણ ગરમાયું છે. મમતા બેનરજી અને હાર્દિક પટેલની મુલાકાતથી પશ્યિમ બંગાળનું રાજકારણ પણ ગરમાયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત પર બીજેપીએ પણ ખાસ નજર રાખી હતી.

હકીકતમાં પશ્ચિમ બંગાળમાં બીજેપી પોતાનો જનાધાર વધારવામાં લાગી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાજયમાં ઉત્તમ પ્રદર્શન સાથે સત્તામાં આવવાની તૈયારી કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ રોયને પોતાની પાર્ટીમાં એન્ટ્રી કરાવીને બીજેપી પહેલાથી જ મોટો દાવ રમી ચૂકી છે. બંગાળના ગ્રામીણ વિસ્તારમાં બીજેપીના વધતા પ્રભાવને રોકવા માટે રાજયના સીએમએ પોતાની રણનીતિ બદલી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે મમતા બેનરજી પશ્યિમ બંગાળમાં એક નવા ગઠબંધનની શકયતાઓ જોઇ રહી છે. આ જ કારણ છે કે હાર્દિક અને મમતાની આ મુલાકાતને ૨૦૧૯માં એક નવા ગઠબંધનની રાહ પર જોવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મમતા પ્રદેશમાં બીજેપીના વધતા પ્રભુત્વને રોકવા માટે ગુજરાતની જેમ અહીં પણ 'હાર્દિક ફેકટર'ની શકયતાઓ તરફ વિચારી રહી છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ આપ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બીજેપીની તરફેણમાં જરૂર આવ્યાં હતાં પરંતુ કોંગ્રેસની સ્થિતિ પહેલાથી સારી થઇ અને થોડો શ્રેય હાર્દિકને પણ આપવામાં આવ્યો હતો.(૨૧.૨)

(9:45 am IST)