મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

અમિતાભ રૂટિન ચકાસણી માટે હોસ્પિટલમાં પહોંચ્યા

તબિયત બગડી હોવાના અહેવાલથી ચાહકો ચિંતિતઃ બિનસત્તાવાર હેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈ,તા. ૯, બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં રૂટિન ચકાસણી માટે પહોંચતા કરોડો ચાહકોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. આજે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં ચકાસણી માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તબીબોની ટીમ દ્વારા તેમના આરોગ્યની ચકાસણી શરૂ કરી હતી. કેટલાક અહેવાલમાં અગાઉ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પરિવારના તમામ સભ્યો પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે. અમિતાભ બચ્ચન થોડાક સમયથી પીઠમાં પીડા અને ખભામાં પીડાની ફરિયાદ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં રુટિન તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે, અમિતાભ બચ્ચનની તબિયતના સંદર્ભમાં હોસ્પિટલ તરફથી કોઇ માહિતી જારી કરવામાં આવી નથી.

અગાઉ આજે સહઅભિનેતા રિષી કપૂરની સાથે તેમની ફિલ્મ ૧૦૨ નોટઆઉટના ટીઝરને જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ૨૭ વર્ષના લાંબાગાળા બાદ રિષી કપૂર સાથે નજરે પડી રહ્યા છે. આ ફિલ્મ આજ નામ સાથે બનાવવામાં આવેલા ગુજરાતી નાટક ઉપર આધારિત છે જેમાં પિતા અને પુત્રની પટકથા દર્શાવવામાં આવી છે. ટ્વિટર એકાઉન્ટ ઉપર ફિલ્મના ટીઝરને રજૂ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા આજે જોવા મળી હતી. અમિતાભ બચ્ચનની તબિયતના સંદર્ભમાં લીલાવતી હોસ્પિટલ તરફથી માહિતી અપાઈ નથી. બિનસત્તાવાર જાણકારી મુજબ અમિતાભની તબિયત ખરાબ હોવાની વિગત મળી છે. ઘણા સમયથી બિમાર હોવાનું લાગ્યું હતું. બીગ બીની સારવાર હાલમાં લીલાવતી હોસ્પિટલના તબીબ જયંત બારવે કરી રહ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

(10:02 pm IST)