મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

લોકકલ્યાણની યોજના લોકો સુધી લઇ જવા સાંસદોને મોદીનું સૂચન

ભાજપ સંસદીય બેઠકમાં મોદીએ સાંસદોને માર્ગદર્શન આપ્યું : ચૂંટણીમાં જીત મેળવવાની ફોર્મ્યુલા મોદીએ રજૂ કરી : અમિત શાહ સહિત તમામ સભ્યો ઉપસ્થિત : સફળરીતે યોજનાઓ લઇ જવાશે તો પાર્ટીની જીત

નવીદિલ્હી,તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીમાં જીતવા માટેની ફોર્મ્યુલા ભાજપના સાંસદો સમક્ષ રજૂ કરી હતી. વડાપ્રધાને તમામ સાંસદોને બજેટ ૨૦૧૮માં જાહેર કરવામાં આવેલી તમામ કલ્યાણની યોજનાઓને જનસમુહ સુધી લઇ જવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો સાંસદો જનસમુહ સુધી તમામ યોજનાઓને સફળરીતે રજૂ કરશે તો તેમને સફળતા મળશે. આ યોજનાઓને રજૂ કરવાથી પાર્ટીને ચૂંટણીમાં જીત મળશે. બેઠકમાં ઉપસ્થિત રહેલા નેતાઓ સાથે વાતચીત દરમિયાન તેમણે આ મુજબની વાત કરી હતી. નેતાઓએ કહ્યું હતું કે, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાને જીતની ફોર્મયુલા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાંસદોની સફળતા પાર્ટીના દેખાવ સાથે સંબંધિત છે. પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા. બુધવારના દિવસે લોકસભામાં તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન દ્વારા નિવેદન વેળા પાર્ટીના સભ્યોના વર્તનને લઇને રાહુલ ગાંધીએ કોઇ ટિપ્પણી કરી ન હતી. મોદીએ કેન્દ્રીય બજેટ અંગે વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ બજેટમાં ખેડૂતો અને ગરીબો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ૧૦ કરોડ પરિવાર માટે આરોગ્ય વિમાની મહાકાય સ્કીમ જાહેર કરવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે કહ્યું હતું કે, વડાપ્રધાને જુદી જુદી રજૂઆત કરીને સાંસદોને માર્ગદર્શન આપ્યું હતું. બજેટની તમામ લોકલક્ષી અને ગરીબ યોજનાઓના સંદર્ભમાં જનસમુહને માહિતી આપવા સાંસદોને અપીલ કરી હતી. લોકો સુધી બજેટમાં જાહેર કરવામાં આવેલી જનકલ્યાણની યોજનાઓને લઇ જવા બુથ ઉપર મિટિંગ યોજીને કહેવા માટે પણ અપીલ કરી હતી. તેમણે સાંસદોને આને લઇને વ્યાપક પ્રચાર કરવા માટે પણ કહ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા કેટલાક નેતાઓએ મોડેથી કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે આ સ્કીમોને સફળરીતે રજૂ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમની પોતાની જીત પાર્ટીની જીત સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, બજેટ ઉપર ચર્ચા કરવા જુદા જુદા સ્થળો ઉપર મોક સંસદ પણ યોજી શકાય છે. નાણામંત્રી અરુણ જેટલીની લોકસભામાં રજૂઆતને લઇને પણ પ્રશંસા કરવામાં આવી હતી. મોદીએ રાજ્યસભામાં તેમના પ્રથમ ભાષણ બદલ અનિલ શાહની પણ પ્રશંસા કરી હતી. મોદીએ ત્રિપુરામાં તેમની રેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યાં ૧૮મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, રેલીમાં ઉપસ્થિત રહેવાથી લોકોને રોકવા ડાબેરી સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાયા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેમના સંબોધનમાં રાહુલ ગાંધીની અમિત શાહે ઝાટકણી કાઢી હતી. અમિત શાહે કહ્યું હતું કે, સંસદીય ઇતિહાસમાં આ પહેલા ક્યારે પણ રાષ્ટ્રપતિના સંબોધનના જવાબમાં વડાપ્રધાનના નિવેદન વેળા ધાંધલ ધમાલ થઇ નથી. રાહુલ ગાંધીની વિચારધારા બિનલોકશાહી બની ગઈ છે. મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી.

(7:34 pm IST)