મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

આ ઉનાળામાં આઇસ્ક્રીમ ખાવો તમને મોંઘો પડશે

વાડીલાલ અને ક્રીમ બેલ જેવી મોટી ક્રીમ કંપનીઓ આ વર્ષે ઉનાળામાં આઇસ્ક્રીમના ભાવ ૫ ટકા વધારવા વિચારી રહી છે

નવી દિલ્હી તા. ૯ : વાડીલાલ અને ક્રીમ બેલ જેવી મોટી ક્રીમ કંપનીઓ આ વર્ષે ઉનાળામાં આઈસ્ક્રીમના ભાવ ૫ ટકા વધારવા વિચારી રહી છે. કારણ એ છે કે ડ્રાય ફ્રૂટ્સ, ફયુલ વગેરેના ભાવ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કિંમત વધવા બાદ આઈસ્ક્રીમના ૮૦૦૦ કરોડના બિઝનેસમાં ૧૫થી ૧૮ ટકાની વાર્ષિક વૃદ્ઘિ થવાની અપેક્ષા સેવાઈ રહી છે.

એક તરફ અમૂલનું કહેવુ એ છે તે હાલમાં કિંમત નથી વધારી રહ્યા તો બીજી બાજુ મધર ડેરી તે અત્યારે પરિસ્થિતિનો કયાસ કાઢી રહ્યા છે. કવોલિટી વોલ્સે આ અંગે કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. ક્રીમ બેલના સીઈઓ નિતિન અરોરાએ કહ્યું, 'છેલ્લા છ મહિનામાં ડીઝલની કિંમતમાં ૨૩ ટકાનો, વેજન-મજૂરીમાં ૧૦ ટકા અને પેકેજિંગ મટિરિયલની કિંમત ૮દ્મક ૧૦ ટકા વધી હતી. આ કારણે આઈસક્રીમની કિંમત વધશે તે નક્કી છે.' તેમણે જણાવ્યું, 'આ સમયે ૨૦૧૮માં કિંમત વધારો ૫ ટકા સુધી વધારો કરવાની શકયતા છે. આ વધારો આવનારા ઉનાળામાં કરવામાં આવશે.'

છેલ્લા કેટલાંક સમયથી આઈસ્ક્રીમની કિંમત લગભગ સ્થિર થઈ ચૂકી છે. કેટલાંય વર્ષોથી ઓરેન્જ બાર ૫ રૂપિયા, કપ ૧૦ રૂપિયા અને કોન ૨૦ રૂપિયામાં મળે છે. અરોરાએ જણાવ્યું, 'અમે આઈસક્રીમની કિંમત ૨૦ રૂપિયાથી વધારી ૨૨ રૂપિયા નહિ કરી શકીએ. એટલે અમારે કિંમત ૨૫ રૂપિયા જ કરવી પડશે. આ વધારો લોકોને ઘણો વધારે લાગતો હોવાથી અમે દર વર્ષે તે ટાળવાની કોશિશ કરીએ છીએ.'આઈસક્રીમના ભાવ વધ્યા છતાંય ઈન્ડસ્ટ્રીને આશા છે કે તેમનો વેપાર સારો એવો વધશે. હવે ૫ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પણ આઈસ્ક્રીમની માંગમાં વધારો થઈ રહ્યો છે.(૨૧.૨૪)

 

(4:41 pm IST)