મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

પાણી વેરા વધારો ફગાવાયો ૮ કરોડનો કરબોજ ૧૭૬૩ કરોડનું બજેટ મંજુર

પાણીવેરો વર્ષે રૂ. ૮૪૦ જ રહેશેઃ બમણો કરવાનો કમિશ્નરનો પ્રસ્તાવ સ્ટેન્ડીંગ કમિટીએ ફગાવ્યોઃ કોંગ્રેસના વિરોધ વગર સ્ટેન્ડીંગમાં સર્વાનુમતે દરખાસ્તો મંજૂરઃ રૂ. ૧ લાખથી વધુ કિંમતના વાહનો માટે ૨ ટકા વાહન વેરો વસુલાશેઃ દિવ્યાંગ મિલ્કત ધારકોને વેરામાં ૫ ટકા વળતરઃ કોઠારીયા - વાવડીમાં ઓડિટોરીયમ બનશેઃ ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટઃ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલની સુવિધાઃ બે નવી હાઇસ્કુલો

બજેટમાં પુષ્કર પટેલની હેટ્રીક સતત ત્રણ વખત બજેટ  મંજુર કરનાર ત્રીજા ચેરમેન : (તસ્વીર : સંદિપ બગથરીયા)

ઙ્ગરાજકોટ તા. ૯ : મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું નવુ ૧૭.૬૩ અબજનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયું છે. આ બજેટમાં કમિશ્નરે સુચવેલો રહેણાંકો - કોમર્શિયલ ધોરણનો પાણી વેરા વધારો સ્ટેન્ડીંગ કમિટિએ ફગાવ્યો છે. આ ઉપરાંત ૧૫ નવી યોજનાઓ ઉમેરી લોકોને મનભાવન બજેટ આપવા પ્રયાસ થયો છે. જોકે આમ છતાં વાહન વેરાનો ૮ કરોડનો કરબોજ પ્રજા માથે રાખ્યો છે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં આ બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઇ હતી.

વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે કે, શહેરની સ્માર્ટ સિટી તરફની કૂચમાં છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે. મૂળભૂત સુવિધાઓનું માળખું પણ વધુ મજબુત બને. આ મજબુત પાયા ઉપર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરરૂપી ઈમારત ખડી કરી શકાશે. એ તો સ્વાભાવિક જ ગણાય કે, સ્માર્ટ સિટીનો પાયો ખુબ જ સક્ષમ હોય.

બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચરથી સંતુષ્ટ થતા નગરજનોને વધુ સરળતાથી નવા સ્માર્ટ પરિવર્તનમાં સામેલ કરી શકાશે તેવો શાસક પક્ષને વિશ્વાસ છે. કેન્દ્ર અને રાજય સરકારશ્રી તરફથી શહેરી વિકાસને આધુનિક ટેકનોલોજીથી પ્રેરિત એવી સુવિધાઓથી સજ્જ કરવા ભરપુર પ્રોત્સાહન પ્રાપ્ત થઇ રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આગામી નાણાકીય વર્ષમાં લોકસુખાકારીમાં વૃદ્ઘિ કરવા વિકાસગાથામાં એક નવી દિશા આલેખવા આગળ ધપી રહી છે.

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ : ૨૦૧૮-૧૯નું રૂ.૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં અનુમતિ અર્થે રજુ કરેલ છે. કમિશનરશ્રી દ્વારા મહાનગરપાલિકાએ વહન કરવામાં આવી રહેલા સબસીડાઈઝડ સેવાઓના જંગી ખર્ચને નજર સમક્ષ રાખી, નવા કર પ્રસ્તાવ, તેમજ પરંપરાગત મિલકત વેરા આકારણી પધ્ધતિના સ્થાને કાર્પેટ એરિયા બેઇઝડ નવી મિલકત વેરા પધ્ધતિ, ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓ બજેટમાં સુચવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની વિવિધ જોગવાઈઓની સમિક્ષા કરી રાજકોટ શહેરની આવશ્યકતા અનુસાર જરૂરી ફેરફારો કર્યા છે, સાથોસાથ લોકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં સામેલ કરી છે. આ સમગ્ર કવાયતમાં મહાનગરપાલિકાની આર્થિક સમતુલા પણ જળવાઈ રહે તેની પણ કાળજી રાખવામાં આવી છે.  

શાસક પક્ષે બજેટની જોગવાઈઓના અભ્યાસ દરમ્યાન શહેરીજનોને કેન્દ્રમાં રાખેલ છે. કેન્દ્ર અને રાજય સરકારશ્રી દ્વારા અપનાવાયેલી નાગરિકલક્ષી પ્રશાસનિક વ્યવસ્થાને મહાનગરપાલિકા પણ વળગી રહેશે. સરકારશ્રી પાસેથી વિવિધ હેડ હેઠળ મળી રહેલી ગ્રાન્ટ અને મહાનગરપાલિકાની પોતાની આવકમાંથી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડિંગ કમિટીએ ઘનિષ્ઠ વિચારણા બાદ રૂ.૧૭૬૯.૩૩ કરોડના બજેટને આખરી ઓપ આપ્યો છે.

પાણી વેરો ૮૪૦ જ રહેશેઃ વધારો નામંજુર

આપણે સૌ વિદિત છીએ કે, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા આજી, ન્યારી, ભાદર ડેમ અને લાલપરી-રાંદરડા તળાવ ઉપરાંત નર્મદાના નીર પણ મેળવવામાં આવે છે. રાજકોટ શહેરને અવારનવાર પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ, ગત વર્ષે ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ,  'સૌની યોજના' અંતર્ગત  શહેરના આજી ડેમને નર્મદાનીરથી છલકાવી, રાજકોટવાસીઓને રાજી કરી, રાજય સરકારની કટિબદ્ઘતાની પ્રતીતિ કરાવી હતી. જે બદલ રાજકોટ મહાનગરપાલિકા રાજય સરકારનો તથા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માને છે.

શહેરને પાણી વિતરણની કામગીરી પાછળ મહાનગરપાલિકાએ દર વર્ષે આશરે રૂ.૧૦૦ કરોડથી વધુનો ખર્ચ વહન કરવો પડે છે. જેની સામે પાણી દરની વસુલાતથી થતી આવકનું પ્રમાણ માત્ર ૨૭% જેટલું છે. એટલે કે, લોકોને પાણીની સુવિધામાં ૭૩% જેવી સબસિડી મળે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થઇ રહેલા જંગી ખર્ચને નજર સમક્ષ રાખી, વોટર ચાર્જમાં રહેણાંક નળ જોડાણના રૂ.૮૪૦માં વધારો કરી, રૂ.૧૬૮૦ અને બિન-રહેણાંક નળ જોડાણના રૂ.૧૬૮૦ને બદલે રૂ.૩૩૬૦ કરવા સૂચવ્યું હતું. આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો પણ સબસિડીનું પ્રમાણ ૪૭.૫% જેટલું રહે છે. આગામી નાણાકીય વર્ષમાં પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે આશરે રૂ.૧૧૮ કરોડ જેટલા ખર્ચનો અંદાજ છે. રાજકોટવાસીઓ એ હકીકતથી સુપેરે પરિચિત છે કે, પાણી વિતરણ સેવા સબસીડાઈઝડ હોવા છતા, ખર્ચની ચિંતા કર્યા વગર નર્મદાનું પાણી મેળવવામાં આવી રહ્યું છે. અલબત, સરકારશ્રીની ગ્રાન્ટ અને મહાનગરપાલિકાના આવકના અન્ય સ્ત્રોતના સહારે મહાનગરપાલિકાની આર્થિક સમતુલા જળવાઈ રહે તે માટે શાસક પક્ષે સતત ચિંતા કરી છે. આ બાબત નજર સમક્ષ રાખી, શાસક પક્ષએ શહેરીજનોના વિશાળ હિતને લક્ષમાં રાખેલ છે અને આવકના અન્ય સ્ત્રોતનું સર્જન કરી, સ્ટેન્ડિંગ કમિટીમાં વોટર ચાર્જનો સૂચિત વધારાનો પ્રસ્તાવ 'નામંજુર' કરેલ છે.

૧ લાખથી વધુના વાહનોમાં ૨%નો વેરો

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરમાં દર વર્ષે ઉમેરાઈ રહેલા નવા આશરે પચાસેક હજાર જેટલા વાહનો પરના કરમાં વૃધ્ધિ સુચવી, વધારાની રૂ.૧૩ કરોડની આવક થવાનો અંદાજ રજુ કરેલ છે. આ પ્રસ્તાવ પર સ્ટેન્ડિંગ કમિટીએ ગંભીરતાથી વિચારણા કરી હતી. રાજકોટમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ મહિલા સમુદાયમાં પણ વાહન ડ્રાઈવિંગનું પ્રમાણ ખુબ વધ્યું છે ત્યારે વાહન કરના પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે છાત્રો, મહિલાઓ અને નાના વાહન ખરીદનારા મધ્યમવર્ગીય લોકોને નજર સમક્ષ રાખી, રૂ.૧ લાખ સુધીની કિંમતના વાહનો માટે માત્ર ૧% ફલેટ રેઈટથી અને રૂ.૧ લાખથી વધુ કિંમતના વાહનો માટે ૨% ફલેટ રેઈટથી વાહન કર વસુલવાનો નિર્ણય લીધો છે. શહેરમાં સતત વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે, સરળ પરિવહન માટેની સુવિધાઓ વિકસાવવી પણ એટલી જ આવશ્યક છે. આ તબક્કે સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયથી વહીવટીતંત્રને થોડી આર્થિક રાહત પણ મળી રહેશે. વાહન કરમાં કરાયેલી ઉપરોકત વૃધ્ધિથી મહાનગરપાલિકાને આગામી નાણાકીય વર્ષમાં કુલ રૂ.૧૯ કરોડની આવક થવાનો અંદાજ છે.

કાર્પેટ એરીયા વેરા પધ્ધતિ

રાજકોટ મહાનગરપાલિકાની દાયકાઓ જૂની પરંપરાગત ઢબની મિલકત વેરા આકારણી પધ્ધતિના સ્થાને વર્ષ : ૨૦૧૮-૧૯થી નવી કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરા આકારણી પધ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે તે મિલકતના ખરેખર ઉપયોગ મુજબની આ નવી કર પધ્ધતિ શહેરની મિલકત વેરા પ્રણાલીને વધુ પારદર્શી બનાવશે. સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરશ્રીના આ પ્રસ્તાવને મંજુર રાખી, નવું પરિવર્તન અપનાવેલ છે.

દિવ્યાંગોને મિલ્કત વેરામાં ૫% વધુ વળતર

રાજય સરકારશ્રીના ધોરણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો માટે નોકરીમાં અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી કચેરીઓમાં દિવ્યાંગોને પ્રવેશમાં સુગમતા રહે તે માટે રેમ્પ બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોની સુવિધામાં ઉમેરો કરી, દિવ્યાંગ મિલકત ધારકોને મિલકત વેરામાં ૫% વિશેષ વળતર આપવામાં આવશે.

કોલ સેન્ટરમાં ટોલ ફ્રી નંબર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શકય તેટલી વધુ સરળતાથી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જે વહીવટી સુધારણાના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીએ વધુ એક કદમ આગળ ધપાવતા, મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ટોલ ફ્રી ટેલિફોન નંબર શરુ કરવાનું નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાની સેવાઓ તથા અન્ય કામગીરી વિશે લોકો નિૅંશુલ્ક રીતે ફોન કોલ કરી શકે અને વહીવટી તંત્રને પણ સેવાઓની ક્ષ્રતિપૂર્તિમાં નગરજનોનો સહયોગ પ્રાપ્ત થાય તેવા હેતુથી ય્પ્ઘ્દ્ગક્ન કોલ સેન્ટરમાં લેન્ડલાઇન ટેલિફોનમાં ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવશે.

ટોર્મ વોટર ડ્રેનેજ માટે ૧૦ કરોડ

ગત વર્ષે રાજકોટ શહેરમાં સરેરાશથી વધુ વરસાદ પડતા, શહેરના કેટલાયે વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો થયા હતા. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું આયોજન કરવામાં આવેલ છે. જે યોજના અંતર્ગત રૂ.૧૦૮૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

સ્ટેન્ડિંગ કમિટીએ બજેટની અંતિમ રૂપરેખા તૈયાર કરતી વખતે જે કેટલીક નવી યોજનાઓ તેમાં સામેલ કરી છે તેની ઉપર એક દ્રષ્ટિપાત કરીએ તો...

કોઠારીયા - વાવડીમાં ૧૦ કરોડનું નવુ ઓડિટોરીયમ

હાલ રાજકોટમાં સેન્ટ્રલ ઝોનમાં શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ, પ્રૂર્વ ઝોનમાં શ્રી અટલ બિહારી બાજપેયી  ઓડિટોરિયમ અને વેસ્ટ ઝોનમાં પૂ. શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં દક્ષિણ દિશામાં નવા ભળેલા કોઠારીયા-વાવડી અને અગાઉના જુના વિસ્તારોને પણ સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। માટે એક આધુનિક નવા ઓડિટોરિયમની સવલત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આ પ્રોજેકટ માટે રૂ.૧૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ

શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ પાર્ટી પ્લોટની સુવિધા પરવડી શકે તેવા નજીવા દરથી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ ત્રણેય ઝોનમાં એક એક નવો પાર્ટી પ્લોટ વિકસાવવાનું આયોજન કર્યું છે. આ યોજના માટે રૂ.૩૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

નવા છ કોમ્યુનિટી હોલ માટે ૬ કરોડ

સગાઇ અને લગ્ન સહિતના પારિવારિક પ્રસંગોએ તથા અન્ય સામાજિક પ્રસંગોએ ખાનગી મેરેજ હોલ મેળવતી વખતે શહેરીજનો ઉંચા ભાડાની ચિંતા કરતા હોય છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ મહત્વનો પ્રશ્ન હોય છે. મહાનગરપાલિકાએ શહેરીજનોને સાવ નજીવા દરે પોતપોતાના વોર્ડમાં જ કોમ્યુનિટી હોલની સુવિધા આપી, તેઓની ચિંતા હળવી કરવા માટે અત્યાર સુધીમાં કુલ ૧૭ કોમ્યુનિટી હોલ અન્વયે કુલ ૨૬ યુનિટ કાર્યરત છે. હવે મહાનગરપાલિકાએ બાકીના છ વોર્ડમાં પણ કોમ્યુનિટી હોલ બનાવવાની યોજના આ બજેટમાં સામેલ કરેલ છે. રાજકોટવાસીઓને પોતાના પ્રસંગો માટે સરળતાથી કોમ્યુનિટી હોલ મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચિંતિત છે. આ સુવિધાની આવશ્યકતા ધરાવતા વોર્ડમાં કુલ રૂ.૬૦૦ લાખના ખર્ચે નવા ૦૬ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવાનો લોકભોગ્ય નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે.

બે નવી હાઇસ્કુલ માટે ૩ કરોડ

શહેરના ગરીબ અને ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોના સંતાનોને સાવ નજીવા દરે શિક્ષણ સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૦૬ હાઈસ્કુલ કાર્યરત છે. શહેરના ગરીબ અને ગરીબ-મધ્યમ વર્ગમાં પણ શિક્ષણ માટે વધેલ જાગૃત્તિને ધ્યાને રાખી, સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં આવશ્યકતા મુજબના વિસ્તારમાં બે નવી હાઈસ્કુલના નિર્માણનો પ્રોજેકટ બજેટમાં ઉમેર્યો છે. આ પ્રોજેકટ માટે રૂ.૩૦૦ લાખની ફાળવણી કરી છે.

છાત્રો માટે રીડિંગ રૂમ વિથ રેફરન્સ બુક કોર્નર

જ્ઞાન અને માહિતીના વર્તમાન યુગની જરૂરિયાતને અનુલક્ષીને મહાનગરપાલિકાએ પરંપરાગત લાઈબ્રેરી ઉપરાંત અમીન માર્ગ અને શ્રોફ રોડ પરની લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી સુવિધાઓ સાથેની મોર્ડન લાઈબ્રેરીની સુવિધા આપેલ છે. જયારે વોર્ડ નં.૦૯માં પેરેડાઈઝ હોલ પાસે તેમજ જીલ્લા ગાર્ડનમાં લાઈબ્રેરી બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. શિક્ષણના વધતા જતા વ્યાપ વચ્ચે વધુને વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા ભણી કેન્દ્રિત થઇ રહ્યા છે. રાજકોટના છાત્રો વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થઇ, સરકારી કચેરીઓમાં તેમજ મલ્ટીનેશનલ કે પબ્લિક લિમિટેડ કંપનીઓમાં ઉચ્ચ સ્થાને પહોંચી, શહેરનું ગૌરવ વધારે તેવા આશયથી તેઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અલાયદી સુવિધા આપવા, વોર્ડ નં.૧૦માં નિર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર સ્ટેશનની જગ્યામાં છાત્રો માટે રીડિંગ રૂમ બનાવવામાં આવશે. આ રૂમ છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા વિવિધ સંદર્ભગ્રંથો સાથેના 'રેફરન્સ બૂક કોર્નર'થી સુસજ્જ હશે. આ યોજના માટે રૂ.૨૦૦ લાખની ફાળવણી કરી છે.

૩ કરોડના ખર્ચે બે નવા મહિલા એકટીવીટી સેન્ટરો

કેન્દ્ર તથા રાજય સરકાર સ્ત્રી સશકિતકરણની જુદી જુદી યોજનાઓ થકી, મહિલાઓને સહાયભૂત થઇ રહી છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકા પણ જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત છે. નાના મવા સર્કલ પાસે મહિલા એકટીવીટી સેન્ટર કાર્યરત છે. સ્ટેન્ડિંગ કમિટીએ મહિલાલક્ષી વિવિધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના શુભ હેતુથી શહેરના ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં એક-એક નવા મહિલા એકટીવીટી સેન્ટર બનાવવાનો નિર્ણય કરેલ છે. આ સેન્ટર મહિલાઓને તેમના આર્થિક ઉપાર્જનની બાબતમાં સવિશેષ ઉપયોગી બની રહેશે. આ પ્રોજેકટ માટે રૂ.૩૦૦ લાખની ફાળવણી કરી છે.

૫૦ લાખના ખર્ચે મોન્યુમેન્ટલ ફલેગ

રાજકોટ શહેર પોતાની એક નવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે શહેરીજનોમાં રાષ્ટ્રભકિતની ભાવના જળવાઈ રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવા હેતુ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ રેસકોર્ષ સંકુલમાં ખુબ દુરથી પણ નિહાળી શકાય તેવો મોન્યુમેન્ટલ ફલેગ ફરકાવવાનું આયોજન કર્યું છે. રેસકોર્ષમાં ફરવા આવતા બાળકો, યુવાનો તેમજ વડિલોમાં ૭૦ મીટર ઉંચાઈએ ફરકાવવામાં આવનાર આ મોન્યુમેન્ટલ ફલેગથી દેશદાઝ વધુ પ્રબળ બને તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ આ યોજના માટે રૂ.૫૦ લાખની ફાળવણી કરેલ છે.

બજાર વિસ્તારમાં મહિલાઓ માટે યુરિનલ

શહેરની સોની બજાર, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, ડો. યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, સર્વેશ્વર ચોક, પેલેસ રોડ, દસ્તૂર માર્ગ જેવા ટ્રાફિક અને રાહદારીઓથી સતત ધમધમતી મુખ્ય બજારોમાં આવતા જતા બહેનોની સુવિધા માટે વિવિધ બજારોમાં, જુદા જુદા સ્થળોએ રૂ.૧૫૦ લાખના ખર્ચે વિમેન્સ યુરિનલ બનાવવામાં આવશે.

મવડીમાં ૨ કરોડનો સ્વીમીંગ પુલ

શહેરમાં અલગ અલગ વિસ્તારોના લોકોને નજીકમાં જ આધુનિક સ્વિમિંગ પુલની સેવા મળી રહે તે માટે હાલમાં કોઠારીયા રોડ પર, પેડક રોડ પર, કાલાવડ રોડ પર અને રેસકોર્ષમાં એમ કુલ મળીને ૪ સ્વિમિંગ પુલ કાર્યરત છે. તેમજ નવા મહિલા સ્વિમિંગ પુલની કામગીરી પૂર્ણતાના આરે છે તેમજ પી.પી.પી. ધોરણે એક નવા સ્વિમિંગ પુલનું બાંધકામ ગતિમાં છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ સુવિધામાં વધારો કરવા તેમજ તાજેતરમાં રાજકોટમાં ભળેલા વિસ્તારો પૈકી વાવડી વિસ્તારના ઉપરાંત મવડી રહેવાસીઓને નજીકમાં જ સ્વિમિંગ પુલની સુવિધા આપવા માટે આગામી વર્ષમાં મવડી વિસ્તારમાં એક નવો સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટ માટે રૂ.૨૦૦ લાખની ફાળવણી કરી છે.

પ્રતિમાઓ પર સ્પોટલાઇટ

શહેરમાં આઝાદીના લડવૈયાઓ, મહાપુરુષો અને રાષ્ટ્રવીરોની સ્મૃતિ ચિરંજીવ રાખવાના સુભગ ઉદેશથી, શહેરમાં વિવિધ સ્થળોએ તેઓની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. ત્યાગ, બલિદાન અને અતુલ્ય સમર્પણ દ્વારા આ મહાપુરુષોનું રાષ્ટ્ર પ્રત્યે અમૂલ્ય યોગદાન રહેલું છે. આ મહાપુરૂષોની પ્રતિમાઓ આપણી ઐતિહાસિક ધરોહર છે. આ પ્રતિમાઓ રાત્રિના સમયે પણ શહેરીજનો નિહાળી શકે તે માટે તમામ પ્રતિમાઓ પર સ્પોટલાઈટ રાખવાનો નિર્ણય કરાયો છે. આ કાર્ય માટે રૂ.૨૫ લાખની જોગવાઈ કરાઈ છે.

મુખ્ય ૪૮ રાજમાર્ગોને યુનિફોર્મ પેટર્નથી વિકસાવવા ૫ કરોડની જોગવાઇ

રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કરેલા શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો પર સરળ આવાગમન, લોકોની સલામતી અને સુનિયોજીત ટ્રાફિક વ્યવસ્થા જરૂરી છે. મહાનગરપાલિકાએ જે રીતે ગૌરવપથ કાલાવડ રોડ વિકસિત કરેલ છે તે જ રીતે શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો યુનિફોર્મ પેટર્નથી (એક સમાન પધ્ધતિએ) વિકસાવવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા સુનિશ્યિત કરાયેલા મુખ્ય ૪૮ રાજમાર્ગો પર સેન્ટ્રલ લાઈટિંગ, ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ અને પાર્કિંગની વ્યવસ્થા એક સરખી પધ્ધતિએ વિકસાવવાનો પ્રોજેકટ  બજેટમાં સામેલ કર્યો છે. આ પ્રોજેકટ થકી શહેરીજનોમાં ટ્રાફિક બાબતે જાગૃતિ કેળવાય અને સ્વયંશિસ્ત આવે તેમજ શહેરની ખુબસુરતીમાં પણ વધારો થાય તે રીતે બ્યુટીફિકેશન પણ કરવામાં આવશે. આ યોજના માટે રૂ.૫૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

શહેરના છ પ્રવેશદ્વારોનું બ્યુટીફિકેશનઃ ૫ કરોડની જોગવાઇ

બહારથી રાજકોટમાં આવતા લોકોને એક અનોખા શહેરમાં પ્રવેશ કર્યાની પ્રતીતિ થાય તે માટે શહેરના તમામ છ એન્ટ્રી પોઈન્ટને સુવિધાઓ અને બ્યુટીફિકેશનના કન્સેપ્ટથી ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે સેન્ટ્રલ લાઈટિંગ, ટ્રાફિક સાઈનેજ બોર્ડ, ઉપરાંત પાર્કિંગ સુવિધા અને બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટ માટે રૂ.૫૦૦ લાખની ફાળવણી કરી છે. આ યોજનાના માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીએ રાજકોટની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.

 રેસકોર્ષમાં ૨૫ લાખનો  ચિલ્ડ્રન પાર્ક ડેવલપમેન્ટ

બાળકો તેમજ વિદ્યાર્થીઓમાં વાહન વ્યવહાર પ્રત્યે જાગૃતિ કેળવાય અને તેને અનુસરવા માટે સ્વયંશિસ્ત આવે તે માટે, રેસકોર્ષમાં એનર્જી પાર્કવાળી જગ્યામાં ચિલ્ડ્રન પાર્ક આધુનિક ઢબે વિકસિત કરવામાં આવશે. આ માટે રૂ.૨૫ લાખની જોગવાઈ કરાયેલ છે.

મહિલા દિને સીટી બસમાં મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન તથા ભાઈબીજ જેવા બહેનોના ખાસ તહેવારોના દિવસે મહિલાઓ માટે દર વર્ષે સિટી બસ તથા બી.આર.ટી.એસ. સેવા નિઃશુલ્ક રાખવામાં આવે છે. તેમાં એક દિવસનો ઉમેરો કરી, ૦૮ માર્ચના રોજ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' નિમિત્ત્।ે મહિલાઓ માટે સિટી બસ તથા બી.આર.ટી.એસ. સેવા નિઃશુલ્ક રાખી, સ્ટેન્ડિંગ કમિટી મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના પ્રદર્શિત કરે છે.

દાણાપીઠ-કેનાલ રોડ-પવન પુત્ર ચોકના વોંકળા પર એલીવેટેડ રોડમાં ૧૦ કરોડની ફાળવણી

રાજકોટઃ શહેરના જુના વિસ્તારોમાં સાંકડા રોડ પર ટ્રાફિકની ગીચતાના ભારણના પ્રશ્નનો આંશિક ઉકેલ આવી શકે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ દાણાપીઠ, કેનાલ રોડ અને પવનપુત્ર ચોક પાસેથી પસાર થતા વોંકળા પર સ્લેબ ભરી, એલિવેટેડ રોડનો કન્સેપ્ટ અપનાવવાનું નક્કી કર્યું છે. આમ પરિવહન માટે લોકોને એક નવો વિકલ્પ ઉપલબ્ધ બનશે. આ પ્રોજેકટ માટે રૂ.૧૦૦૦ લાખની ફાળવણી કરી છે.

સ્વાદ રસિયાઓ આનંદોઃ ત્રણ દાયકા બાદ ફરી રાત્રી બજાર ધમધમશે

રાજકોટ : શહેરના શાસ્ત્રી મેદાનમાં ત્રણ દાયકા અગાઉ ખાણી-પીણીની રાત્રીબજાર ધમધમતી હતી. આ રાત્રીબજારને આજે પણ લોકો યાદ કરીને તેની ખોટ અનુભવે છે ત્યારે શાસકોએ સ્વાદના શોખીનો માટે આવી જ રાત્રી બજાર ફરી ધમધમતી કરવા મોર્ડન રાત્રી બજાર (ફુડ કોર્ટ)ની બજેટમાં જોગવાઇ કરી છે.

પાણી કેમ આપશું? શાસકોને  બીક લાગતા વેરા વધારો ફગાવ્યો

રાજકોટ : સ્ટેન્ડીંગ કમીટીએ મ્યુ.કમિશનરે સુચવેલ પાણી વેરો વધારો ફગાવ્યો તેથી પાછળનું મુખ્ય કારણ એવુ ચર્ચાઇ રહ્યું છે કે લોકોને બમણા પાણી વેરા સામે વાંધો નથી પરંતુ વેરો ભરવા છતા વર્ષમાં દરરોજ પુરૂ પાણી નથી મળતું તેનો વિરોધ છે. આ બાળકો શાશકોને ચિંતામાં મુકી દીધા કેમ કે આ વખતે નર્મદાનીર ઉપર ભરોસો રાખી શકાય તેમ નથી. તે બાબત સરા જાહેર છે. ત્યારે જો મે મહીનામાં પાણીકામ આપવો પડે ત્યારે બમણા પાણી વેરાને લઇને શાશક પક્ષ સામે પ્રચંડ વિરોધ ફાટી નીકળે આ બીકને કારણે વાસ્તવિક સ્થીતીને સ્વીકારીને અંતે પાણીવેરો ફગાવવા શશકો મજબુર બન્યા હોવાની ચર્ચા છે.(૬.૨૧)

આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ : ડાંગની ટીમ સામે ક્રિકેટ મેચ જીતતી રાજકોટ પંચાયત ટીમ

રાજકોટ, તા. ૯ :  ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો વચ્ચેની આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે. જેમાં આજે ડાંગ પંચાયતની ટીમના ૯૦ અને રાજકોટ જિલ્લા પંચાયતની ટીમના ૧પ૦ રન થતા રાજકોટની ટીમનો પ્રથમ મેચમાં ૬૦ રને (૮ વિકેટ) વિજય થયો હતો. રાજકોટની ટીમ હવે આગળની મેચ રમશે.

રાજકોટ પંચાયતની ટીમમાં રામદેવસિંહ જાડેજા, પ્રયાગ ગોસ્વામી, ભવદીપ ગોસ્વામી, કૃપાલ ગોહેલ, નરેશ ગઢવી, જીજ્ઞેશ ભૂત, સંદીપ ડાંગર, રીકશન ફળદુ, સંજય અઘેરા, જતીન ચાવડા અરવિંદસિંહ ઝાલા વગેરે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

બજેટમાં નવી જાહેરાતો

વોર્ડ નં. ૧૭માં સિંદુરીયાખાણના વિસ્તારમાં અદ્યતન ઓડીટોરીયમ

૧૦૦૦ લાખ

શહેરના ત્રણેય ઝોનમાં યોગ્ય જગ્યાએ કુલ-૩ પાર્ટી પ્લોટ

૩૦૦ લાખ

શહેરના જુદા જુદા વોર્ડમાં ૬ કોમ્યુનિટી હોલ

૬૦૦ લાખ

શહેરના જુદા જુદા વિસ્તારમાં ૨ નવી હાઇસ્કુલ

૩૦૦ લાખ

નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ ફાયર સ્ટેશનના

૨૦૦ લાખ

સંકુલમાં રીડીંગ રૂમ - રેફરન્સ બુક કોર્નર

 

સેન્ટ્રલ ઝોન તથા ઇસ્ટ ઝોનમાં બે નવા મહિલા એકટીવીટી સેન્ટર

૩૦૦ લાખ

રેસકોર્ષ સંકુલમાં મોન્યુમેન્ટલ ફલેગ

૫૦ લાખ

શહેરની મુખ્ય બજારોમાં વિમેન્સ યુરીનલ

૧૫૦ લાખ

મવડી વિસ્તારમાં નવો સ્વિમીંગ પુલ

૨૦૦ લાખ

મહાપુરૂષોની પ્રતિમા પાસે સ્પોટ લાઇટ

૨૫ લાખ

શહેરના ૪૮ રાજમાર્ગોનો યુનિફોર્મ પેટર્નથી વિકાસ

૫૦૦ લાખ

શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટનું બ્યુટીફીકેશન

૫૦૦ લાખ

દાણાપીઠ, કેનાલ રોડ, પવનપુત્ર ચોકના વોંકળા પર એલીવેટેડ રોડ

૧૦૦૦ લાખ

રેસકોર્ષ સંકુલમાં ચિલ્ડ્રન પાર્ક ડેવલપમેન્ટ

૨૫ લાખ

શહેરમાં યોગ્ય જગ્યાએ મોર્ડન રાત્રી બજાર (ફુડ કોર્ટ)

૧૦૦ લાખ

(4:54 pm IST)