મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

ટેન્શનમાં ટ્રમ્પ... ૩ સપ્તાહમાં બીજીવાર અમેરિકામાં 'શટડાઉન'

ફરીવાર અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થઇ ગયુઃ અમેરિકી કોંગ્રેસ જરૂરી બજેટ સમયસર પસાર કરાવી ન શકીઃ ૮ લાખથી વધુ કર્મચારીઓને માઠી અસરઃ ઓબામા વખતે ૨૦૧૩માં ૧૬ દિ' શટડાઉન રહ્યું હતું

વોશિંગ્ટન તા. ૯ : અમેરિકન કોંગ્રેસ દ્વારા સમયસર એક બજેટ બિલ પસાર ન કરવાના કારણે અમેરિકાને ફરીથી શટડાઉનનો સામનો કરવો પડશે. અમેરિકન સાંસદોને આશા હતી કે આ નવા બિલને અડધી રાત્રે ફેડરલ ફન્ડિંગ એકસપાયર થતા પહેલા પાસ કરાવી લેવામાં આવશે. રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે ખર્ચની મર્યાદાને જાળવી રાખવાના સંશોધન પર ચેમ્બરમાં ચર્ચા કરવાની માંગ કરીને બિલ પાસ થવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. અગાઉ જાન્યુઆરીમાં પણ સરકારને ત્રણ દિવસના શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એન્ટિ-ડેફિશિયન્સી એકટ અમલી છે. આ અંતર્ગત અમેરિકામાં રૂપિયાની ઘટ પડતા એજન્સીઓને પોતાનું કામકાજ બંધ કરી દેવું પડે છે અને કર્મચારીઓને રજા આપી દેવામાં આવ છે. આ દરમિયાન તેમને પગાર પણ આપવામાં આવતો નથી. આ સ્થિતિમાં સરકાર સંઘીય બજેટ લાવે છે જેમાં પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પસાર કરવું જરૂરી હોય છે. વર્તમાન સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આઠ લાખથી વધારે કર્મચારીઓ ગેરહાજર રહેશે. ફકત ઈમરજન્સી સેવાઓ જ ચાલું રહેશે.

આ પહેલા ૨૦ જાન્યુઆરીએ સરકારી ખર્ચને લઈને લાવવામાં આવેલા મહત્વના આર્થિક બિલને અમેરિકન પાર્લામેન્ટની મંજૂરી મળી ન હતી જેના કારણે સરકારને શટડાઉનની જાહેરાત કરવી પડી હતી.

અમેરિકી સંસદ અને કાયદાના તજજ્ઞોને આશા હતી કે થોડા સમય પહેલા પાસ થયેલા અસ્થાયી સંઘીય બજેટની સમયમર્યાદા પૂર્ણ થયા પહેલા નવા ખર્ચ માટે બિલને મંજુરી મળી જશે પરંતુ એવું બની શકયુ નહીં અને એકવાર ફરી અમેરિકા શટડાઉનના દોરમાંથી પસાર થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષની શરૂઆતમાં ત્રણ દિવસો માટે અમેરિકામાં શટડાઉન થયું હતું ત્યારે સરકારી કર્મચારીઓને ઘરે બેસી રહેવું પડયું હતું. ત્રણ દિવસની અંદર સંસદે સરકારી કામકાજને ફરી સુચારૂ રૂપથી ચલાવા માટે બંને સદનોમાં અસ્થાયી બજેટ પાસ કરાવ્યું હતું.

(4:24 pm IST)