મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

રેણુકા - રાફેલડિલ પર સંસદમાં હોબાળો અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો

લોકસભા ૫ માર્ચ સુધી સ્થગિતઃ રાજ્યસભામાં ટીડીપી સાંસદોનો હોબાળોઃ રાજ્યસભા સ્થગિત

નવી દિલ્હી તા. ૯ : બજેટ સત્રના પહેલાં તબક્કાના છેલ્લાં દિવસે શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સંસદીય દળની બેઠક દરમ્યાન રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપને ઉકેલવાની રણનીતિ તૈયાર કરાઈ. દિલ્હીમાં બેઠક દરમ્યાન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીની શૈલી અલોકતાંત્રિક છે, આથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ દરમ્યાન આવી અડચણો ઉભી કરાઈ. પાર્ટીની સંસદીય દળની બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર એ પત્રકારોને આ માહિતી આપી.

તેમણે કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે બેઠકમાં કહ્યું કે રાફેલ ડીલના મેન પોઇન્ટસ અંગે બતાવી ચૂકયા છીએ અને આગળ પણ બતાવીશું, પરંતુ દરેક કંપોન્નટને લઇ ચર્ચા કરવી દેશહિતમાં કેટલી યોગ્ય હશે? ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ મોટા નેતા આ બેઠકમાં સામેલ થયા છે.

આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા પર જવાના છે. આની પહેલાં થઇ રહેલ આ મહત્વની બેઠકમાં તેઓ પણ સામેલ થયા. પાર્ટીની આ મીટિંગ એવા સમયમાં થઇ છે જયારે સંસદમાં બજેટ સત્ર દરમ્યાન સરકારને વિપક્ષના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાફેલ ડીલ સિવાય રેણુકા ચૌધરીના હસવા પર પીએમ મોદીની ટિપ્પણી પર કોંગ્રેસે પ્રહારો કર્યાં છે.આ બધાની વચ્ચે રાફેલ ડીલમાં ગોટાળાનો આરોપ મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ આ મુદ્દા પર લોકસભામાં બોલવા માટે સ્પીકર સુમિત્રા મહાજનને લેખિતમાં નોટિસ આપી છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટની વિરૂદ્ઘ રાજયસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ મૂકયો છે. એવામાં ભાજપ એ કોંગ્રેસના આરોપોના જવાબ આપવા માટે સટીક રણનીતિ તૈયાર કરી છે.

વાત એમ છે કે રાફેલ વિમાન સોદા પર સરકાર ઘેરાતી જોવા મળી રહી છે. કોંગ્રેસ એ આ સોદામાં ગોટાળોનો આરોપ મૂકયો છે. તેમનું કહેવું છે કે સરકાર જે રીતે વિમાનોના કિંમતો પર ચુપકીદી સાંધી રહ્યું છે તેના લીધે શંકા ઘેરાય રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોદામાં ગોટાળાની આશંકા વ્યકત કરતાં સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવી ચૂકયા છે.

જો કે એક દિવસ પહેલાં સંસદમાં નાણાંમંત્રી અરૂણ જેટલી એ રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે આ પ્રકારના આરોપો મૂકીને તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે ગંભીર સમજૂતી કરી રહ્યાં છે. જેટલી એ રાહુલને પૂર્વ રક્ષામંત્રી પ્રણવ મુખર્જી પાસેથી શીખવાનું પણ કહ્યું.(૨૧.૨૫)

(4:23 pm IST)