મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

ગુજરાતમાં સલામત નથી સ્ત્રીઓ રેપ, દહેજ અને હેરાનગતિના કેસમાં વધારો

ગુજરાત સ્ત્રીઓ માટે સલામત છે એવા ભ્રમને ભાંગી નાખતો અહેવાલઃ અમદાવાદ બન્યું ક્રાઇમ કેપિટલઃ દહેજના કેસમાં વધારોઃ શહેરોમાં ગુનાનું ઊંચુ પ્રમાણ

નવી દિલ્હી તા. ૯ : ગુજરાતની છબિ એવી છે કે આખા ભારતમાં આ રાજય સ્ત્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ સ્ત્રીઓ બિન્દાસ બહાર ફરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં દર અઠવાડિયે લગભગ ૯ છોકરીઓ પર બળાત્કાર થયો હતો? અને દરરોજ લગભગ ત્રણ સ્ત્રીની જાતીય સતામણી થતી હતી? અમદાવાદમાં દરરોજ લગભગ ૧ છોકરીની જાતીય સતામણી થાય છે. રાજયનો ક્રાઈમનો ડેટા વાંચીને ગુજરાત સ્ત્રીઓ માટે સુરક્ષિત છે તે ભ્રમ જરૂર ભાંગી જશે.

 

રાજયના ડિરેકટર જનરલ ઓફ પોલીસે ક્રાઈમનો ડેટા રીલીઝ કર્યો હતો. તેમાં ગુજરાતની સ્ત્રીઓની કફોડી હાલત સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અમદાવાદમાં તો ગુજરાતના બીજા હિસ્સા કરતા પણ ખરાબ હાલત છે. આંકડા જોઈએ તો અમદાવાદને ગુજરાતનું ક્રાઈમ કેપિટલ કહેવામાં કોઈ અતિશયોકિત નથી. રાજયમાં સ્ત્રીઓ સામે બળાત્કાર, છેડતી, દહેજની ધમકી અને હેરાનગતિના કિસ્સામાં ઉત્ત્।રોત્ત્।ર વધારો થતો જઈ રહ્યો છે.

રાજયના ડીજીપી દ્વારા રીલીઝ કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં દરરોજ ૧૪ સ્ત્રીઓ બાળાત્કાર, છેડતી, જાતીય સતામણી, દહેજને લગતી સતામણી અને ક્રૂરતાનો ભોગ બને છે. દરરોજ છ સ્ત્રીઓ પર રેપ થાય છે, જાતીય સતામણી થાય છે અને દહેજ માટે હેરાનગતિ પહોંચાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે રાજય કરતા શહેરમાં ગુનાનું પ્રમાણ વધારે છે. અમદાવાદમાં દરરોજ એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે અને દર છ દિવસે એક સ્ત્રી પર રેપ થાય છે.

તમને નવાઈ લાગશે પણ આધુનિક સમયમાં પણ દહેજને લીધે અપાતા ત્રાસમાં જબ્બર વધારો થયો છે. આખા રાજયમાં આ સંખ્યા ૮૬થી વધીને ૬૫૬ થઈ ગઈ છે. અમદાવાદમાં ૨૦૧૬માં દહેજને લગતા શૂન્ય કેસ નોંધાયા હતા જયારે ૨૦૧૭માં ૧૩૩ કેસ નોંધાયા છે. દહેજને કારણે થનારા મૃત્યુમાં જોકે ઘટાડો થયો છે. ૨૦૧૬માં આ સંખ્યા ૧૬૮ જેટલી હતી જે હવે ઘટીને ૧૨૧ થઈ ગઈ છે. અમદાવાદમાં આ સંખ્યા ૧૧થી વધીને ૨૦ થઈ છે. અન્ય ગુનાની સંખ્યા ઘટી છે. જાતીય સતામણીના કિસ્સા ૪૩થી ઘટીને ૩૪ થયા છે.

જો તમે એવુ માનતા હોવ કે શિક્ષણને કારણે શહેરોમાં ગુનાનું પ્રમાણ નીચુ હશે તો એ વાત સાવ ખોટી છે. આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગુનાની સંખ્યામાં વધારો થયો છે. દહેજને લગતી હેરાનગતિના મહત્ત્।મ કેસ સુરતમાં નોંધાયા છે. CID ક્રાઈમના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમ જણાવે છે, 'અમે ૧૮૧ હેલ્પલાઈન તથા ફ્રેન્ડ્સ ઓફ વિમેન એન્ડ ચાઈલ્ડ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ માધ્યમથી સ્ત્રીઓ કોઈ સમસ્યા ઊભી થાય તો અમારા માણસો સાથે વાત કરી શકે છે. ઘણીવાર અમારા માણસો તેમને સીધો જ ઉકેલ સૂચવે છે. હવે સ્ત્રીઓ વધારે જાગૃત થઈ ગઈ છે અને ઘણીવાર ગુનો થાય તે પહેલા જ તેમને તેની ભનક આવી જાય છે અને તે સમયસર અમને ચેતવી દે છે જેથી દુર્ઘટના થતી બચી જાય છે.' ગુજરાત પોલીસે આ ઉપરાંત જાગૃતિ અભિયાન પણ હાથ ધર્યું છે જેથી સ્ત્રીઓ હવે તેમની સાથે કંઈ ખોટુ થાય તો પોલીસ ફરિયાદ નોંધાવા આગળ આવે છે.

કિલનિકલ સાઈકોલોજિસ્ટ ઈતિ શુકલ જણાવે છે, 'વિદ્યાર્થીઓને યોગ્ય ઉંમરે સેકસ એજયુકેશન ન મળતુ હોવાથી રેપ અને જાતીય સતામણી જેવા કિસ્સા વધ્યા છે. હોર્મોનલ બદલાવ આવે ત્યારે વ્યકિતને યોગ્ય માર્ગદર્શન મળવુ જરૂરી છે. વળી પુરૂષો માટે હવે પોર્ન એપ્સ ડાઉનલોડ કરવી સાવ આસાન થઈ ગઈ છે જેને કારણે તે આવા ગુના કરવા પ્રેરાય છે. પરંતુ ટેકનોલોજીનો ફાયદો એ છે કે સ્ત્રી જો કોઈ મુશ્કેલીમાં ફસાય તો તે તરત જ પોતાના પરિવારને જાણ કરી શકે છે.'

ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના ગુજરાતના કન્વીનર મીનાક્ષી જોશી માને છે કે સ્ત્રીઓની સુરક્ષા માટે પૂરતા પગલા લેવાતા નથી. તેઓ કહે છે, 'સ્ત્રીઓ સામે થતા ગુના નોંધણીની સંખ્યામાં વધારો નથી થયો પરંતુ કેટલા બધા એવા કેસ છે જે નોંધાતા જ નથી? પોલીસ માત્ર વાતો કરે છે. તે સ્ત્રીઓને જાગૃત કરવાની દિશામાં કોઈ પગલા ભરતી જ નથી. અમદાવાદમાં માત્ર બે પોલીસ સ્ટેશન છે. દરેક વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન હોવું જોઈએ.'(૨૧.૯)

 

(11:47 am IST)