મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

ચિદમ્બરમના ઘરે CBIનો સીક્રેટ રિપોર્ટઃ તપાસ શરૂ

એરસેલ - મેકિસસ ડીલનો ડ્રાફટ રિપોર્ટ મળ્યો

નવી દિલ્હી તા. ૯ : એરસેલ-મેકિસસ ડીલ મામલે સીબીઆઈ પોતાનો ડ્રાફટ રિપોર્ટ ચિદમ્બરમની પાસે પહોંચવાની તપાસ કરી રહી છે. ૨૦૧૩માં તૈયાર કરાયેલો આ ડ્રાફટ રિપોર્ટ ચિદમ્બરમના ઘરમાં મળ્યો હતો, તે પછી હવે સીબીઆઈ આંતરિક તપાસ કરી રહી છે કે, આ રિપોર્ટ કઈ રીતે પૂર્વ મંત્રી સુધી પહોંચી ગયો. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના દરોડા દરમિયાન ચિદમ્બરમના ઘરેથી સીબીઆઈનો આ ડ્રાફટ રિપોર્ટ જપ્ત કરાયો હતો.

ઈડીના સૂત્રોએ જણાવ્યું કે ૧૩ જાન્યુઆરીએ પી. ચિદમ્બરમના જોર બાગ સ્થિત ઘરે દરોડામાં આ રિપોર્ટ મળ્યો હતો. એ દિવસે એજન્સી તરફથી ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઈ સ્થિત ઘરો પર દરોડો પડાયો હતો. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે, એજન્સી તરફથી સીબીઆઈને સત્ત્।ાવાર નોટ લખીને એ અંગેની જાણકારી આપવામાં આવી કે તેમના દસ્તાવેજ દરોડામાં મળી આવ્યા છે.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, તપાસ એજન્સી હવે ડોકયુમેન્ટ્સ લીક થવા મામલે તપાસ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે, સીબીઆઈનો આ એ જ રિપોર્ટ છે, જેને ૨૦૧૩માં સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો હતો. સૂત્રોનું કહેવું છે કે, ચિદમ્બરમના ઘરેથી મળેલા રિપોર્ટનો કેટલોક ભાગ એ દસ્તાવેજોને મળતો આવે છે, જેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો હતો. આ મામલે પ્રતિક્રિયા માગવા પર ચિદમ્બરે કહ્યું કે, હું પડતર મામલાઓ પર ટિપ્પણી નથી કરતો.

જોકે, ચિદમ્બરમના નજીકના સૂત્રોએ કહ્યું કે, જો તપાસ એજન્સીઓ ચિદમ્બરનો સંપર્ક કરશે તો તે જવાબ આપશે. સીનિયર કોંગ્રેસ લીડરે ૧૩ જાન્યુઆરીએ પડાયેલા દરોડાને મજાકમાં કરાયેલી ભૂલ જણાવતા કહ્યું હતું કે, તપાસકર્તા અધિકારીઓને દરોડા દરમિયાન કંઈ ન મળ્યું અને તે ઘણા પરેશાન જોવા મળ્યા.(૨૧.૧૩)

 

(11:45 am IST)