મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

દુલ્હો બન્યો હત્યારો

લગ્નમાં જૂતા ચોરી થતાં વરરાજાએ ગુમાવ્યો મિજાજઃ કરી નાખી હત્યા

લખનૌ તા. ૯ : લગ્ન એક એવું આયોજન છે, જયાં ઘણા બધા પારંપરિક રીત-રિવાજો થાય છે. વરરાજા અને દુલ્હન સાત ફેરાના બંધનમાં બંધાતા દરમિયાન ઘણા બધા રિવાજોનું પાલન કરવું પડે છે. તેવો જ એક રિવાજ છે જૂતા ચોરી કરવાનો. લગ્ન સમયે દુલ્હનની બહેનો એટલે કે સાળીઓને જૂતા ચોરી કરવાનો ખૂબ શોખ હોય છે, જેના બદલામાં તે પૈસા પણ વસૂલે છે. પરંતુ યુપીના બદાયૂં જિલ્લામાં આવા રિવાજ દરમિયાન રંગમાં ભંગ પડી ગયો.

અહીંયા જૂતા ચોરી કરવાના આરોપમાં એક વ્યકિતને માર મારીને તેની હત્યા કરી દેવાઈ. હત્યાનો આરોપ દુલ્હા અને તેના મિત્રો પર છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પર દુલ્હા અને તેના મિત્રો વિરુદ્ઘ કેસ દાખલ કરી લીધો છે.

ઘટના જિલ્લાના બિલ્સી વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે બિલ્સીના રહેવાસી સુરેન્દ્રના લગ્ન સૂરજપુર ગામમાં થવાના હતા. બુધવારે સુરેન્દ્ર જાન લઈને ગામડે પહોંચ્યો. અહીંયા લગ્ન દરમિયાન સુરેન્દ્રએ જૂતા ઉતાર્યા અને લગ્નની વિધિમાં શામેલ થઈ ગયો.

થોડા સમય બાદ જયારે લગ્ન સમાપ્ત થયા, તો સુરેન્દ્રના જૂતા ગાયબ હતા. જે બાદ સુરેન્દ્ર અને તેના મિત્રોએ હંગામો કરવાનું શરૂ કરી દીધું. આરોપ હતો કે સુરેન્દ્ર અને તેના મિત્રોએ પાસે જ ઉભેલા રામસરન પર જૂતા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.

તે લોકો રામસરનને પીટવા લાગ્યા. લોકોની ભીડ જયાં સુધીમાં રામસરનને બચાવતી ત્યાં સુધીમાં દુલ્હા અને તેના મિત્રોએ તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો. રામસરનને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. જયાં તેની હાલત ગંભીર હોવાના કારણે થોડી જ વારમાં તેણે હોસ્પિટલમાં દેહ ત્યાગી દીધો.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉપેન્દ્ર કુમાર દેશાવરે જણાવ્યું કે મૃતક રામસરનની પત્ની મીરા દેવી તરફથી દુલ્હા સુરેન્દ્ર અને તેના ચાર મિત્રો પર હત્યાનો કેસ નોંધાવવામાં આવ્યો છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસમાં લાગી છે.(૨૧.૬)

(10:27 am IST)