મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

વિશ્વ બજારનો ડંખઃ શેરબજાર માંદગીના ખાટલેઃ ધ્રુજે છે રોકાણકારો

ગ્લોબલ માર્કેટની અસર સ્વરૂપ પ્રારંભે સેન્સેકસ પપ૦ પોઇન્ટ અને નીફટી ૧૭૦ પોઇન્ટ ડાઉન : મીડકેપ અને સ્મોલકેપ શેરમાં ભારે પ્રોફીટ બુકીંગઃ જો નીફટી ૧૦,૦૦૦નું સ્તર તોડશે તો બજારમાં ભારે ગભરાટની શકયતા

મુંબઇ તા.૯ : ભારતીય શેરબજાર માટે આજના સત્રની શરૂઆત અત્યંત ખરાબ રહી છે. સપ્તાહના અંતિમ ટ્રેડીંગના દિવસે પણ શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યુ છે. સેન્સેકસ લગભગ પપ૦ પોઇન્ટ અને નીફટી ૧૭૦ પોઇન્ટ ડાઉન સાથે ખુલ્યા હતા. બજારમાં આવેલા આ ઘટાડાનું કારણ દુનિયાભરના શેરબજારોમાં આવેલી ભારે વેચવાલી છે. આજે શેરબજારમાં થોડી જ મીનીટોમાં રોકાણકારોએ ર.ર૪ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

આ લખાય છે ત્યારે ૯-૪પ કલાકે સેન્સેકસ ૪૭૧ પોઇન્ટના ઘટાડા સાથે ૩૩૯૪૧ અને નીફટી ૧૪ર પોઇન્ટ ડાઉન સાથે ૧૦૪૩૩ ઉપર ટ્રેડ કરે છે. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે પ્રોફીટ બુકીંગ જોવા મળી રહ્યુ છે. બજારના ઘટાડામાં નીફટીમાં આવેલ તમામ પ૦ શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

બજાર માટે બજેટ પછીનું સપ્તાહ ઘટાડાના દોર સમુ રહ્યુ છે. મેટલ અને બેન્કીંગ શેરોમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. મીડકેપ ઇન્ડેકસ ૧.૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેકસ ૧.પ ટકા ડાઉન છે.

એકસકોર્ટસ સિકયુરીટીઝના એમડી અશોક અગ્રવાલના જણાવ્યા પ્રમાણે નીફટીના હિસાબથી ૧૦૦૭૪નું સ્તર અત્યંત મહત્વનુ છે. નીફટી જો ૧૦,૦૦૦ના સ્તરને તોડે અને તેની નીચે ટકે તો નિશ્ચિત રીતે બજારમાં મોટા ઘટાડાની આશંકા રહેશે. ૧૦,૦૦૦નું સ્તર બજારમાં જારી બુલ રન સ્ટ્રકચર અને મનોવૈજ્ઞાનિક સ્તર બંને માટે મહત્વનુ છે. દુનિયાભરના ઘટાડાની અસર આજે જોવા મળી છે. જો કે રોકાણકારો માટે આ ઘટાડો ખરીદી કરવાનો સુવર્ણ અવસર છે. અમેરિકા ઉપરાંત ભારતમાં લોંગ ટર્મ કેપીટલ ગેઇન્સ ટેકસ લદાતા તેની અસર સ્વરૂપ બજાર ઘટી રહ્યુ છે. આ ટેકસને કારણે ભારતમાં નિવેષ ઉપર અસર પડવાની પણ શકયતા છે.(૩-૫)

(4:25 pm IST)