મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

અમેરિકી શેરબજારમાં ફરી ગાબડુઃ વિશ્વના બજારોમાં ધ્રુજારો

ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૦૩ર પોઇન્ટ ઘટાડા સાથે બંધ રહ્યોઃ નાસ્ડેક પણ ર૭૪ પોઇન્ટ ડાઉનઃ જાપાન, હોંગકોંગ અને ચીનના બજારો પણ તુટયાઃ જોરદાર વેચવાલી

ન્યુયોર્ક તા.૯ : એશિયામાં સપ્તાહના અંતિમ કારોબારીના એક દિવસ પહેલા ગુરૂવારે ફરી એક વખત અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયો છે. મુખ્ય ઇન્ડેકસ ડાઉ જોન્સ પર ફરી એક વખત વેચવાલીનેે કારણે દબાણ આવ્યુ અને તે ૪ ટકા સુધી તુટયો. આ ઘટાડાથી અમેરિકી બજારે પોતાના હાલના ઉચ્ચતમ સ્તરથી ૧૦ ટકાનુ ગોથુ ખાધુ છે. ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૦૦૦ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો તો એશિયામાં જાપાનનું બજાર ૭૦૦ પોઇન્ટ, હોંગકોંગનું બજાર ૧૩૦૦ પોઇન્ટ તુટયુ છે.

અમેરિકી બજારમાં આ ઘટાડાથી મુખ્ય ઇન્ડેકસ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર પ૦૦ જાન્યુઆરીના અંતના ઉચ્ચતમ શિખરથી લગભગ ૧૦ ટકા નીચે પહોંચી ગયો છે. અમેરિકી બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતા ટ્રેઝરી ઇલ્ડ અને આજે સવારે આવેલા જોબના આંકડાઓના કારણે જોવા મળ્યો છે. ગઇકાલના ઘટાડામાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧૦૩૩ પોઇન્ટ એટલે કે ૪.૧પ ટકા તુટી ર૩૮૬૦ના સ્તર પર જોવા મળ્યો હતો. જયારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૧૦૧ પોઇન્ટ એટલે કે ૩.૭પ ટકાના ઘટાડા સાથે રપ૮૧ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જયારે નાસ્ડેક ર૭પ પોઇન્ટ એટલે કે ૩.૯ ટકા ઘટી ૬૭૭૭ પોઇન્ટ પર જોવા મળ્યો હતો.

અત્રે નોંધનીય છે કે અમેરિકી બજારમાં છેલ્લા એક વર્ષની તેજી માટે જવાબદાર એમેઝોન અને ફેસબુકના શેરોને આ ઘટાડાથી સૌથી વધુ નુકસાન થયુ છે. સોમવારે અમેરિકી બજારમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

અમેરિકી બજારને પગલે જાપાનનો નિકેઇ ૭૦૦ પોઇન્ટ, હોંગકોંગનો ઇન્ડેકસ ૧૩૦૦ પોઇન્ટ, ચીનનુ બજાર પ ટકા ઘટી ૩૦૯૧ ઉપર આવી ગયુ છે. (૩-ર)

(11:17 am IST)