મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

CCIએ ગુગલને ફટકાર્યો ૧૩૬ કરોડનો દંડ : સર્ચ રીઝલ્ટમાં પક્ષપાત કરવાનો આરોપ

નવી દિલ્હી : બધાના સવાલોના ફટાફટ જવાબ આપવાવાળું વેબ સર્ચ એન્જીન ગુગલને ભારતીય સ્પર્ધાત્મક કમિશન (CCI)એ શિસ્ત તોડવા અને ગુગલ પર સર્ચ રીઝલ્ટ બતાવવામાં પક્ષપાત કરવા બદલ દોષિત પુરવાર કર્યું છે અને આ માટે ગુગલ પર ૧૩૫.૮૬ કરોડ નો દંડ ફટકાર્યો છે. CCIએ આદેશ કર્યો છે કે અમેરિકન કંપની ગુગલે આ દંડ 2 મહિનામાં ભરવાનો રહેશે.

મેટ્રીમોની.કોમ અને કન્ઝ્યુમર યુનિટી & ટ્રસ્ટ સોસાયટી (CUTS) દ્વારા આક્ષેપો કરાયા બાદ સીસીઆઈ દ્વારા આ આદેશ પસાર કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગૂગલે ઓનલાઈન જનરલ વેબ સર્ચ અને વેબ સર્ચ એડવર્ટાઈઝિંગ સર્વિસીસ સેક્ટરમાં પોતાની બાદશાહતનો  દુરુપયોગ કર્યો છે.

જો કે સીસીઆઇને ગુગલની વિશિષ્ટ સર્ચ ડિઝાઇન (વન બોક્સ), એડવર્ડ્સ, ઓનલાઇન ઇન્ટરમિડિયેશન અને ડિસ્ટ્રિબ્યુશન કરારના કોઈ પણ ઉલ્લંઘન બદલ, ગુગલ દોષિત જણાયું ન હતું.

સીસીઆઇએ ગૂગલ પર દંડનો ચુકાદો 4-2 થી સંભળાવ્યો હતો. જેમાં 2 સભ્યો આ નિર્ણયની વિરુદ્ધમાં હતા, જ્યારે ચાર લોકો આ દંડની તરફેણમાં હતા.

(9:04 am IST)