મુખ્ય સમાચાર
News of Monday, 10th January 2022

સુપ્રિમ કોર્ટનો સ્વીકાર : PMની સુરક્ષામાં ચુક તો થઇ છે : કરશે તપાસ

સુરક્ષામાં ચુક મામલાની તપાસ સુપ્રિમ કોર્ટના પૂર્વ જજના વડપણમાં એક કમિટિ કરશે : આજે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને પોતપોતાની તપાસ રોકી દેવાના આદેશ આપ્યા

નવી દિલ્હી તા. ૧૦ : પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિના મામલામાં સુપ્રીમ કોર્ટે પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબના ડીજી અને મુખ્ય સચિવને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત સમિતિ દ્વારા હજુ સુધી કોઈ સુનાવણી કરવામાં આવી નથી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ વાત સાચી છે કે સુરક્ષામાં ખામી રહી છે. પંજાબ સરકારે ખુદ આ હકીકત સ્વીકારી છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો તપાસ સમિતિની રચના કરવામાં આવે તો તે શું કરશે.  સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં તપાસ કમિટી બનાવવાની વાત કરીછે. કોર્ટે કહ્યું કે સમિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરોની પંજાબ યુનિટના એડિશનલ ડીજી પણ સામેલ થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પંજાબ સરકારને ખુબ ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જયારે તમે નક્કી જ નથી કરી શકતા કે ચૂક થઈ છે કે નહીં તો કોર્ટમાં કેમ આવ્યા છો?

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે. મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમને આજે સવારે ૧૦ વાગે પ્રધાનમંત્રીની સુરક્ષા સંલગ્ન દસ્તાવેજો મળ્યા. સુનાવણી સમયે પંજાબ સરકારના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રેકોર્ડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે જમા કરાવી દેવાયા છે.

(3:29 pm IST)