મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

લોન કેસ : આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચરની કરોડોની સંપત્તિ જપ્ત થઇ

ઇડી દ્વારા ૭૮ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ : આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી વિડિયોકોનને મળેલા ૩૨૫૦ કરોડ રૂપિયાના લોન મામલામાં કાર્યવાહી કરાઇ

મુંબઈ, તા. ૧૦ : આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પરિવાર પર ઇડીએ જોરદાર કાર્યવાહી કરી છે. ઇડીએ ચદા કોચરના મુંબઈ સ્થિત ફ્લેટ અને તેમના પતિ દિપીક કોચરની કંપનીની કેટલીક સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. જપ્ત સંપત્તિની કુલ કિંમત ૭૮ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચંદા કોચરની સામે કાર્યવાહી ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંકથી વિડિયોકોનને મળેલા ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં કરવામાં આવી છે. બેંકની દેવાદાર કંપની વિડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા કોચરના પતિની કંપનીમાં રોકાણને લઇને ગેરરીતિના આક્ષેપો બાદ ચંદા કોચરે ઓક્ટોબર ૨૦૧૮માં રાજીનામુ આપી દીધું હતું. તાજેતરમાં તેઓએ પોતાની સામે બેંકથી જારી કરવામાં આવેલા બરખાસ્ત અગેના પત્રોને લઇને મુંબઈ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.

               ચંદા કોચરે પત્રને કાયદેસર જાહેર કરવાની માંગ કરી હતી જેમાં તેઓએ ઓક્ટોબર ૨૦૧૮માં વહેલીતકે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને બેંકે બાબતને સ્વીકાર પણ કરી હતી. વિડિયોકોન ગ્રુપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંકથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન મળી હતી. લોન કુલ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના એક હિસ્સા તરીકે હતી જે રકમ વિડિયોકોન ગ્રુપને એસબીઆઈના નેતૃત્વમાં ૨૦ બેંકો પાસેથી મળી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધુતે વર્ષ ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા ન્યુ પાવર રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા હતા. કંપનીએ ધુતે દિપક કોચર અને અન્ય બે સંબંધિઓની સાથે મળીને ઉભી કરી હતી.

                એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચંદા કોચરના પતિ દિપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનાર તરફથી નાણાંકીય સહાયતા આપવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન મળ્યાના મહિના બાદ ધુતે કંપનીની માલિકી દિપક કોચરના એક ટ્રસ્ટને નવ લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરી દીધી હતી. ચંદા કોચરની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી વિડિયોકોનને મળેલા ૩૨૫૦ કરોડ રૂપિયાના લોનના મામલામાં ચંદા કોચર સામે આકરી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ કોર્પોરેટજગતમાં ખળભળાટ મચીગયો છે. કોઇ સમયે ચંદાકોચર ટોચની સેલિબ્રિટી તરીકે હતા અને બેંકિંગના ક્ષેત્રમાં તેમનું મોટુ નામ હતુ ંપરંતુ એકાએક તેમની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.

(7:59 pm IST)