મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

હવે પ્રોપર્ટીના સંયુકત માલિક પણ ITR-1 અને ITR-4 ફોર્મ ભરી શકશે

સીબીડીટીએ પોતાનો અગાઉનો ૩ જાન્યુ.નો આદેશ પાછો ખેંચ્યો : નવા ફોર્મ ઇશ્યૂ કર્યાં

નવી દિલ્હી, તા. ૧૦ : ઇન્કમટેકસ વિભાગે પોતાના એક સપ્તાહ જૂના આદેશને પાછો ખેંચતા જણાવ્યું છે કે કોઇ પણ પ્રોપર્ટીનો સંયુકત માલિકી હક ધરાવનાર પણ હવે સરળ ઇન્કમટેકસ રિટર્ન ફોર્મ આઇટીઆર-૧ (સહજ) અથવા આઇટીઆર-૪ (સુગમ) ભરી શકશે, જોકે આ માટે અન્ય શરતોનું પાલન થવું જોઇએ.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સીબીડીટીએ સાથે એવું પણ જણાવ્યું છે કે ઇન્કમટેકસ એકટ ૧૯૬૧ની કલમ ૧૩૯ (૧)ના સાતમા પ્રોવિઝોની એક અથવા વધુ શરતોનું પાલન થવાના કારણે રિટર્ન ભરવાની જેમને જરૂર હોય એવા લોકોને પણ સહજ ફોર્મમાં આઇટીઆર ફાઇલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્કમટેકસ વિભાગે ૩ જાન્યુઆરીના રોજ સંયુકત માલિકી ધરાવતી રહેણાંક સંપત્તિઓના વ્યકિતગત કરદાતાઓ અને એક વર્ષમાં રૂ. એક લાખનું વીજળી બિલ ચૂકવનાર અથવા વિદેશ યાત્રા પાછળ વર્ષ દરમિયાન રૂ. બે લાખથી વધુ ખર્ચ કરનારાઓને સરળ ફોર્મ દ્વારા ઇન્કમટેકસ રિટર્ન ભરવા પર પ્રતિબંધ મૂકયો હતો, જે હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નોટિફિકેશન બાદ એવી ચિંતા વ્યકત કરાઇ હતી કે આ બદલાવના કારણે વ્યકિતગત કરદાતાને મુશ્કેલી ઉભી થશે. સીબીડીટીએ જણાવ્યું કે આ કેસમાં સમીક્ષા બાદ એવો નિર્ણય કરાયો છે કે કોઇ પણ રહેણાંક સંપત્તિની સંયુકત માલિકી ધરાવનાર કોઇ પણ વ્યકિત હવે આઇટીઆર-૧ અથવા આઇટીઆર-૪ દ્વારા ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરી શકશે. દરમિયાન ઇન્કમટેકસ વિભાગે નાણાીય વર્ષ ર૦ર૦-ર૧ (એસેસમેન્ટ વર્ષ ૧ એપ્રિલ-ર૦૧૯થી ૩૧ માર્ચ ર૦ર૦ સુધી) માટે આઇટીઆરના નવા ફોર્મ આઇટીઆર-૧  અને આઇટીઆર-૪ ઇશ્યુ કરી દીધા છે.

(4:32 pm IST)