મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

દિપીકા પાદુકોણ ટુકડે ટુકડે ટોળકીની સાથે દેખાઈ રહી છે : કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની

દેખાવકારોની વચ્ચે દિપીકા પાદુકોણ કેમ પહોંચી : કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની : ૨૦૧૧માં દિપીકાએ કોંગ્રેસ પાર્ટીને ટેકો આપતી હોવાની વાત કરી હતી : દિપીકા પાદુકોણ પ્રશ્ને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીના નિવેદનથી હોબાળો

નવીદિલ્હી, તા. ૧૦ : જેએનયુમાં વિરોધ પ્રદર્શન વચ્ચે અભિનેત્રી દિપીકાના પહોંચવાને લઇને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીયમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતના ટુકડા કરવાના સપના જોનાર લોકોની સાથે અભિનેત્રી દિપીકા પાદુકોણ દેખાઈ છે. કેન્દ્રીયમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ જાણવા માંગે છે કે, આખરે તે રાજનીતિરીતે કોની સાથે જોડાયેલી છે. દિપીકા પર પ્રહાર કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, જે કોઇ વ્યક્તિએ પણ સમાચાર વાંચ્યા હશે તે ચોક્કસપણે જાણવા માંગે છે કે, દિપીકા દેખાવકારોની વચ્ચે કેમ પહોંચી ગઈ હતી. સ્મૃતિનું કહેવું છે કે, અમારા માટે હેરાની કરનાર બાબત છે કે, દિપીકા એવા લોકોની સાથે ઉભી છે જે ભારતના ટુકડા કરવાની વાત કરે છે.

                  દિપીકા એવા લોકો સાથે ઉભી છે જે લોકોએ લાઠીઓ સાથે યુવતીઓના પ્રાઇવેટ પાર્ટ ઉપર હુમલા કર્યા હતા. કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાની તરફથી કરવામાં આવેલા એક સવાલના જવાબમાં ટિપ્પણીથી હોબાળો મચી ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા તેજિન્દરપાલ બગ્ગાએ પણ પ્રતિક્રિયા આપી છે. દિપીકા પર કોંગ્રેસ સાથે સંબંધ રાખવાના આક્ષેપ કરતા કહેવામાં આવ્યું છે કે, દિપીકાએ વર્ષ ૨૦૧૧માં કહ્યું હતું કે, તે કોંગ્રેસ પાર્ટીને ટેકો આપે છે. જે લોકોને દિપીકાના જેએનયુ જવાથી હેરાની થઇ છે તે બાબતને હજુ સુધી જાણતા નથી. જેએનયુમાં વિદ્યાર્થીઓ પર બુરખાધારી શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, મામલા પર હજુ તપાસ ચાલી રહી છે. તે આટલું કહેવા માંગે છે કે, મામલામાં તપાસ ચાલી રહી છે. હાલમાં તે બંધારણીય હોદ્દા ઉપર છે અને તપાસના તમામ પાસા પર વાત કરવા ઇચ્છુક નથી.

               પાંચમી જાન્યુઆરીના દિવસે જેએનયુમાં કેટલાક બુરખાધારી શખ્સોએ જોરદાર હુમલો કર્યો હતો. રોડ અને લાકડીઓ સાથે હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. આવા એક માર્ચમાં દિપીકા પાદુકોણ પણ પહોંચી હતી. જેએનયુ સંકુલમાં પહોંચ્યા બાદ એક વર્ગના લોકોએ દિપીકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ કર્યો હતો જ્યારે કેટલાક લોકોએ દિપીકાની પ્રશંસા પણ કરી હતી. આને લઇને હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે હવે સ્મૃતિ ઇરાનીના આકરા પ્રહારથી વિવાદ વધુ ગંભીર બને તેવી શક્યતા છે. દિપીકાના સમર્થનમાં હાલમાં સોનાક્ષી સિંહા, સ્વરા ભાસ્કર, અને જુહી ચાવલા પણ ઉતરી હતી. બીજી બાજુ કેટલીક અભિનેત્રીઓ પણ આની વિરુદ્ધમાં નિવેદન કરી ચુકી છે.

(7:55 pm IST)