મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

ઇરાનના હુમલાઓ હતા ફકત દેખાવ પૂરતા

ત્રણ કલાક પહેલા જ કયાં અને કયારે મિસાઇલ છોડશે તેની જાણ ઇરાને કરી દીધી હતી : અમેરિકન રક્ષા અધિકારીઓનો દાવો

વોશિગ્ટન, તા. ૧૦ : અમેરિકન અધિકારીઓનો દાવો છે કે ઇરાને યુરોપીયન દુતાવાસના માધ્યમથી ઇરાકના અલ અસદ એરબેઝ પર મિસાઇલ હુમલાની ત્રણ કલાક પહેલા જ ચેતવણી આપી દીધી હતી. ત્રણ કલાક પહેલા મળેલી ચેતવણીથી એરબેઝ પર ઇરાન કયાં અને કયારે મિસાઇલ હુમલો કરશે તે જાણ થઇ ગઇ હતી.

અમેરિકા અને યુરોપીય સરકારોના સુત્રોએ સમાચાર એજન્સી રોઇટર્સને કહ્યું છે કે, તેમને વિશ્વાસ છે કે ઇરાને જાણી જોઇને આવું કર્યું છે જેથી ઓછામાં ઓછું નુકસાન થાય ઇરાને આ હુમલામાં અમેરિકાના કેમ્પોને મોટાભાગે બચાવી લીધા જેથી આવનાર સંકટ નિયંત્રણની બહાર ન જતું રહે.

બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો પછી અમેરિકન સૈન્યના ઉચ્ચ અધિકારીઅીએ હુમલાની પહેલા ઇરાનના સંકેતોનો ખુલાસો કર્યો હતો. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે એવા સંકેતો મળી રહ્યા છે કે ઇરાન સુલેમાનીના મામલામાં પાછું હટયું છે. બન્ને પક્ષ ઇરાની કમાન્ડરના મોતથી વિસ્ફોટક બનેલી સ્થિતિને ટાળતા દેખાઇ રહ્યા છે.

આ પહેલા ઇરાકી વડાપ્રધાન અબ્દુલ મહદીએ કહ્યું હતું કે, ઇરાને તેમને મિસાઇલ હુમલા અંગેની ટીપ આપી હતી જેને પાસ કરવામાં તે સક્ષમ હતા અને સૈનિકોને બંકરોમાં શરણ લેવાનો સમય આપ્યો હતો. મહદીએ કહ્યું કે ઇરાને તેમને ખાસ સ્થળો નહોતા જણાવ્યા પણ કહ્યું હતું કે તેઓ ફકત એવા સ્થળોએ જ હુમલો કરશે જયાં અમેરિકન સૈનિકો છે.

(3:41 pm IST)