મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

દેશમાં રોજ ૮૦ હત્યા-ર૮૯ અપહરણ-રેપની ૯૧ ઘટના

NCRBનો રિપોર્ટ ખળભળાટ મચાવે છેઃ મહિલાઓ માટે યુપી સૌથી વધુ અસલામતઃ ર૦૧૮માં સૌથી વધુ રેપની ઘટનાઓ મધ્ય પ્રદેશમાં: વધતા અપરાધો ચિંતાજનક

 નવી દિલ્હી તા. ૧૦ :.. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા બહાર  પાડવામાં આવેલ નવા આંકડાઓ અનુસાર ર૦૧૮ માં આખા દેશમાં રોજ સરેરાશ ૮૦ ખૂન, ર૮૯ અપહરણ અને ૯૧ બળાત્કારની ઘટનાઓ નોંધાઇ હતી. એટલું જ નહીં આ આંકડાઓ મુજબ ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામે અપરાધની સૌથી વધુ ઘટનાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામેના અપરાધના કેસોની સંખ્યા ર૦૧૮ માં પ૯૪૪પ હતી જે ર૦૧૭ માં પ૬૦૧૧ અને ર૦૧૬ માં ૪૯ર૬ર હતી. તો મધ્ય પ્રદેશમાં ર૦૧૮ માં સૌથી વધુ બળાત્કાર પ૪પ૦ નોંધાયા હતાં.

આંકડાઓ અનુસાર, ર૦૧૮ માં નોંધાયેલ પ૦,૭૪૬૩૪ ગુનાઓમાંથી ૩૧,૩ર,૯પ૪ કેસ ઇન્ડીયન પીનલ કોડ હેઠળ અને ૧૯,૪૧,૬૮૦ કેસ ખાસ અને સ્થાનીક કાયદા હેઠળના ગુનાની શ્રેણીમાં નોંધાયા હતાં. ર૦૧૭ માં આ આંકડો પ૦,૦૭,૦૪૪ હતો.

ર૦૧૮ અને ર૦૧૭ દરમ્યાન ખૂનના કેસોમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો. ર૦૧૮ માં ખૂનના ર૯૦૧૭ જયારે ર૦૧૭ માં ર૮૬પ૩ કેસ નોંધાયા હતાં. આંકડાઓ અનુસાર ર૦૧૮ દરમ્યાન ખુનનાં મુખ્ય કારણોમાં ૯૬ર૩ કેસોમાં વિવાદ, ત્યાર પછી ૩૮૭પ કેસમાં અંગત અદાવત અથવા દુશ્મની અને ર૯૯પ કેસોમાં લાભ મેળવવાનું હતું.

એનસીઆરબી અનુસાર, ર૦૧૮ માં અપહરણના કેસોમાં ૧૦.૩ ટકાનો વધારો થયો હતો. અને તે અંગેની ૧,૦પ,૭૩૪ એફઆઇઆર નોંધાઇ હતી. જયારે ર૦૧૭ માં આ આંકડો ૯પ૮૯૩ નો હતો તો ર૦૧૬ માં ૮૮૦૮ હતો. ર૦૧૮ ના આંકડાઓ અનુસાર અપહરણના બનાવોમાં ર૪૬૬પ પુરૂષ અને ૮૦૮૭૧ મહિલાઓના અપહરણ થયા હતા જેમાંથી ૬૩૩પ૬ બાળકો અને ૪ર૧૮૦ વયસ્ક હતાં.

એનસીઆરબી અનુસાર ર૦૧૮ દરમ્યાન ૯ર૧૩૭ અપહૃત વ્યકિતઓ (રર૭પપ પુરૂષ અને ૬૯૩૮ર મહિલાઓ) ને પાછા મેળવી શકાયા હતાં. જેમાંથી ૯૧૭૦૯ જીવીત અને ૪ર૮ મૃત મળ્યા હતાં. ર૦૧૮ માં મહિલાઓ સામે અપરાધની શ્રેણીમાં  ૩,૭૮,ર૭૭ કેસ નોંધાયો હતાં, જે ર૦૧૭ માં ૩,પ૯,૮૪૯ અને ર૦૧૬ માં ૩,૩૮,૯પ૪ હતાં. ર૦૧૮ માં આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારના કેસોની સંખ્યા ૩૩૩પ૬ હતી.

આંકડાઓ અનુસાર, ર૦૧૭ માં બળાત્કાર ૩રપપ૯ કેસ નોંધાયા હતાં. જયારે ર૦૧૬ માં આ આંકડો ૩૮૯૪૭ હતો. એન. સી. આર. બી. અનુસાર, ર૦૧૭ (પ૦,૦૭,૦૪૪) કેસોની સરખામણીમાં ગુનાઓની સંખ્યામાં ૧.૩ ટકાનો વધારો થયો હતો. જયારે પ્રતિ એક લાખની વસ્તીએ અપરાધ દરમાં જો કે ર૦૧૭ (૩૮૮.૬) ની સરખામણીમાં ર૦૧૮ માં (૩૮૩.પ) ઘટાડો થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા એનસીઆરબી ઇન્ડીયન પીનલ કોડ અને ખાસ તથા સ્થાનીક કાયદા હેઠળ થતા દેશના ગુનાઓના આંકડાઓ એકઠા કરીને તેનું વિશ્લેષણ કરે છે.

(10:54 am IST)