મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

ટ્રમ્પના અધિકાર સીમિત

ઇરાન વિરૂધ્ધ ટ્રમ્પ યુધ્ધ કરી નહિ શકે

નીચલા ગૃહમાં પ્રસ્તાવ પસાર થયો

વોશીંગ્ટનઅમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી ઇરાનની વિરૂદ્ઘ સૈન્ય કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકાર સીમિત કરવાનો 'વોર પાવર્સ' પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. ડેમોક્રેટિક સાંસદોના મેજોરિટીવાળા નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રસ્તાવના પક્ષમાં ૧૯૪ વોટ પડ્યા. હવે આ પ્રસ્તાવને કોંગ્રેસના ઉપલા સદન સેનેટમાં રજૂ કરાશે. જયાં તેના ભાગ્યનો નિર્ણય થવાનો છે. જો સેનેટમાંથી પણ પ્રસ્તાવ પાસ થઇ જયા છે તો તેના પ્રભાવમાં આવવા માટે ટ્રમ્પના હસ્તાક્ષરની જરૂર પડશે નહીં. જો કે રિપબ્લિકન સાંસદોના મેજોરિટીવાળા સેનેટમાં પ્રસ્તાવને પસાર કરવો થોડોક મુશ્કેલ છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર અને ડેમોક્રેટ સાંસદ નેન્સી પેલોસીની અધ્યક્ષતામાં વોર પાવર્સ પ્રસ્તાવ માટે વોટિંગ થયું. આ દરમ્યાન પ્રસ્તાવના પક્ષમાં ૧૯૪ વોટ પડ્યા. આપને જણાવી દઇએ કે ઇરાનના સૌથી તાકાતવાર ટોચના કમાન્ડરલ જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકા દ્વારા એર સ્ટ્રાઇક હુમલામાં માર્યા ગયા બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે બુધવારના રોજ ઇરાનની સાથે શાંતિની રજૂઆત કર્યા બાદ હાલ કોઇપણ પ્રકારના યુદ્ઘની આશંકા ભલે ખત્મ થઇ ગયો પરંતુ ટ્રમ્પ અને યુએસ કોંગ્રેસની વચ્ચે ટેન્શન વધતું જઇ રહ્યું છે.

ટ્રમ્પે આની પહેલાં સંસદને માહિતી આપ્યા વગર જ ઇરાકમાં ઇરાનના કમાન્ડર જનરલ સુલેમાની પર ડ્રોન એટેકની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ અમેરિકન સાંસદોએ તેમના આ પગલાંની આલોચના કરી હતી. નેન્સી પેલોસીએ યુએસ સાંસદોને લેટર લખીને રાષ્ટ્રપતિની સૈન્ય કાર્યવાહીને સીમિત કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. તેના પર ટ્રમ્પે કહ્યું હતું કે સુલેમાનીને મારવાનો વિરોધ એ લોકો જ કરી રહ્યા છે જે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માંગે છે.

આપને જણાવી દઇએ કે પ્રસ્તાવ એવા સમય પર પાસ થયો છે જયારે અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવ કાયમ છે. અમેરિકાએ ગયા સપ્તાહે જ ઇરાકની રાજધાની બગદાદમાં એર સ્ટ્રાઇક દ્વારા ઇરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને નિશાન બનાવ્યા હતા.

ત્યારબાદ મંગળવાર સવારે ઇરાને ઇરાક સ્થિત અમેરિકન સેના બેઝ પર ૨૨ મિસાઇલો છોડી હતી. ઇરાને તેને સુલેમાનીના મોતનો બદલો ગણાવ્યો હતો. બીજીબાજુ અમેરિકાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં કોઇપણ અમેરિકનનો જીવ ગયો નથી અને ત્યાં સેના બેઝમાં પણ ઓછું નુકસાન થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ ઇરાનને કયારેય પરમાણુ શકિત બનવા દેશે નહીં અને યુદ્ઘાની જગ્યાએ બીજા આર્થિક પ્રતિબંધ વધારીને ઇરાનને પાઠ ભણાવશે.

(10:06 am IST)