મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

ઉદયપુર-આબુ ફરવા જતા ગુજરાતી પ્રવાસીઓ ધ્યાન આપો : રાત્રે 8 વાગ્યા પછી રાજસ્થાનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

 સીએમ ગહેલોતે કહ્યુ કે દારૂની દુકાન જો આઠ વાગ્યા પછી ખુલ્લી મળી તો સબંધિત પીઆઇ, એસપી તેના જવાબદાર હશે

રાજસ્થાનના ઉદયપુર-આબુ ફરવા જતા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનની ગહેલોત સરકારે રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજસ્થાનમાં રાત્રે હવે ખુલ્લેઆમ દારૂનું વેચાણ નહી કરી શકાય.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જાહેરાત કરી કે રાજ્યમાં ગેન્ગસ્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ દરમિયાન કેટલીક જાહેરાત કરવામાં આવી છે. સીએમ ગહેલોતે કહ્યુ કે દારૂની દુકાન જો આઠ વાગ્યા પછી ખુલ્લી મળી તો સબંધિત પીઆઇ, એસપી તેના જવાબદાર હશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે જયપુરમાં પોલીસ કાર્યાલયમાં મીટિંગ બાદ આ આદેશ જાહેર કર્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પ્રતિબંધ છતા રાતના 8 વાગ્યા પછી પણ દારૂની દુકાન ખુલ્લી રહેવાને લઇને કહ્યુ કે આ ચિંતાનો વિષય છે. કોઇ પણ વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે. દુકાન રાત્રે 8 વાગ્યે બંધ થઇ જશે.

ગહેલોત સરકારના આદેશ અનુસાર રાજસ્થાનમાં રાતના 8 વાગ્યા પછી દારૂનું વેચાણ કરવુ ગેરકાયદેસર છે, તેમ છતા રાત્રે 8 વાગ્યા પછી સૌથી વધુ દારૂનું વેચાણ થાય છે, જ્યા દારૂના ઠેકા પર રાત્રે 8 વાગ્યા પછી શટરની નીચેથી અને દુકાનની આજુ બાજુ કાઢવામાં આવેલા ઝરૂખામાંથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ ઘટનાક્રમ આખી રાત ચાલે છે.

(11:22 pm IST)