મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

જીતના કારણોમાં છે જૂનાની બાદબાકી, માઇક્રો મેનેજમેન્‍ટ, પ્રચારક, ચહેરા, પૂર્વ તૈયારી વગેરે

કયા કારણો છે જેને લીધો ભાજપાને માટે ગુજરાતમાં જીત મેળવવી સરળ બની

નવી દિલ્‍હી,તા. ૯ : જે રીતે ભાજપા ગુજરાતમાં જીતનો જશ્ન મનાવે છે એ જોતાં ચોક્કસ એકવાર તો ભાજપાની રણનીતિ પર માન થઇ આવે. કયા કારણો છે જેને લીધો ભાજપાને માટે ગુજરાતમાં જીત મેળવવી સરળ બની ચુકી છે અને એ પણ એ રીતે કે માધવસિંહ સોલંકી જેવા નેતાનો રેકોર્ડ પણ ભાજપાએ તોડ્‍યો.

પૂર્વ તૈયારીને મામલે ભાજપા હંમેશા એક સુપર સ્‍માર્ટ પક્ષ રહ્યો છે. પછીએ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની પણ તૈયારીને મામલે ભાજપા એવા વિદ્યાર્થી જેવો પક્ષ છે જે પહેલી ટર્મની વચગાળાની પરીક્ષામાં આગલા યુનિટનો સિલેબસ તૈયાર કરીને બેસતો હોય. બીજા પક્ષો વોટ નેક્‍સ્‍ટ કરે છે તો ભાજપા આવતીકાલની નહીં પણ આવતા વર્ષની સ્‍ટ્રેટેજીને મગજમાં રાખીને પગલાં ભરનારો પક્ષ છે. આ વખતે પણ ૨૦૨૨ની ચૂંટણીની તૈયારી અગાઉથી કરવા માટે પેજ પ્રમુખ અભિયાન શરૂ કરાયું જે પહેલાં પણ ઉપયોગમાં લેવાયેલી વ્‍યુહરચના છે. પેજ પ્રમુખ બનેલા સાથે વડાપ્રધાનથી માંડીને પક્ષનાં મોટા ચહેરાં સંવાદ સાધે. આવું થાય એટલે મતદારોને પોતાની વાત કોઇ સાંભળે છે એવું કહેનારાઓની સંખ્‍યા વધે. બુથ મેનેજમેન્‍ટ અને માઇક્રો પ્‍લાનિંગમાં આ ગણિત કામ કરી ગયું. પેજ પ્રમુખોને પણ સવાલ કરાય કે તેમણે કેટલું કામ કર્યું એટલે એ લોકો પણ ગ્રાઉન્‍ડ પર સખત કામ કરે.

ગુજરાતની વિધાનસભામાં આ વખતે મુખ્‍ય પક્ષમાં માત્ર બે જ  પક્ષ નહોતા પણ સાથે આપની હાજરી પણ હતી. એક વખત સુધી ભાજપને માત્ર કોંગ્રેસની સામે લડવાનું હતું પણ આ વખતે કોંગ્રેસને હરાવવામાં આપ પણ જોડાઇ, સ્‍વાભાવિક છે કે ભાજપા માટે તો આપ પણ સામેનો જ પક્ષ ગણાય પણ કોંગ્રેસ જેટલો જુનો પક્ષ ન હોવાથી ભાજપાને એની બહુ ફિકર ન હોય અને ગુજરાતમાં તો ન જ હોય એ ચોક્કસ. કોંગ્રેસના વોટ શેર ઓછા કરવામાં આપના ઝાડુને કારણે ભાજપાને આડકતરી મદદ થઇ.

પ્રચારની વાત આવે ત્‍યારે વડાપ્રધાન વિધાનસભાની ચૂંટણી હોય તો પણ ૨૭ રેલીઓ કરે અને અમિત શાહે પણ રાતોના ઉજાગરા કરી કમલમની ઓફિસમાં સતત ઝીણામાં ઝીણી કામગીરી પર ધ્‍યાન આપ્‍યું. રાષ્ટ્રીય સ્‍તરે પહોંચેલા નેતા એક રાજયની ચૂંટણી માટે હાજર થઇ જાય એ કંઇ નાનીસુની વાત નથી. ભાજપાનું લાવ લશ્‍કર જ ગુજરાતમાં ઉતરી આવ્‍યું હતું અને ૩૨ કિલોમિટર લાંબો રોડ શો પણ અમદાવાદમાં કરાયો. યોગી આદિત્‍યનાથી માંડીને સ્‍મૃતિ ઇરાની પણ ગુજરાતમાં પ્રચાર માટે પહોંચ્‍યા. ભાજપાએ જે નેતાઓને સ્‍ટાર બનાવ્‍યા છે એમનો જ ઉપયોગ સ્‍ટાર પ્રચારક તરીકે કરાયો.

એક યા બીજા કારણોસર રાહુલ ગાંધીએ ગુજરાતને બહુ મહત્‍વ ન આપ્‍યું, ભારત જોડો યાત્રા પણ દક્ષિણ ગુજરાત થઇને ક્‍યાંક બીજે ફંટાઇ ગઇ. કોંગ્રેસ પાસે પોતાની જાતને બચાવવાના ફાંફા મારવાનું કામ હતું એ સિવાય બીજો કોઇ એજન્‍ડા કોંગ્રેસને કામ ન લાગ્‍યો કારણકે તેમની પાસે મુદ્દો હતો પણ નહીં. પ્રચારના નામે કોંગ્રેસનું વલણ ગુજરાતમાં સાવ હવાયેલા ટેટા જેવું રહ્યું. રાષ્ટ્રીય નેતા તો ઠીક પણ સ્‍થાનિક કોંગ્રેસી નેતાઓએ પણ કંઇ બહુ તસ્‍દી ન લીધી.

૨૦૦૨માં જે થયું એ થયું પણ એ પછી ગુજરાતમાં છમકલાં થયા હશે પણ મોટે પાયે રમખાણો નથી થયા. ૨૦૦૨ના રમખાણો ભાજપાની સત્તામાં થયા પણ એ પછી ભાજપાએ પુરી તકેદારી રાખી કે હિંદુ હોય કે મુસલમાન કોઇપણ તાબાની બહાર જાય નહીં, સામ-દામ-દંડ-ભેદની નીતિ રાખીને ગુજરાતમાં માહોલ શાંતિપ્રિય રખાયો. જે પેઢીએ ૨૦૦૨ના રમખાણો જોયા છે એ ભલે ૧૯૮૪ની રમખાણોની ચર્ચામાં ન પડે પણ એમને એટલી તો ખબર જ છે કે એ ૨૦૦૨ વાળી ફરી થશે તો નહીં સાંખી શકે. એવું માનનારી પેઢીએ પણ ભાજપા તરફી ઝુકાવ રાખ્‍યો છે જે ભાજપાને સદી ગયો એમ કહેવામાં કોઇ અતિશયોક્‍તિ નથી.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપાના સિનિયર્સને કહેવાયું હતું કે તેઓ પોતે જ એમ કહી દે કે આ વખતે ઉમેદવારીમાં તેમનું નામ ન હોવું જોઇએ. હાઇકમાન્‍ડે તેમની પાસેથી આવા પત્રો મંગાવ્‍યા અને કહેવાયું એમ કે દિગજ્જોને ચૂંટણી નથી લડવી. આ કહા-સુની વાળી વાત અનુસાર નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, વિજય રુપાણી, સૌરભ દલાલ અને ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા માઇનસ થઇ ગયા અને ઉમેદવાર નક્કી થયા ત્‍યારે કહેવાતા નવા ચહેરામાંથી ૪૫થી વધુ વર્તમાન ધારાસભ્‍યોનો છેદ ઉડાડાયો. અસંતુષ્ટોને મનાવવા અમિત શાહે પોતે ગુજરાતના ધક્કા ખાધા જેથી અંદરો અંદર જ વિરોધીઓ ઉભા ન થાય. રૂપાણીની સરકાર તો વચગાળામાં બદલીને જ કેબિનેટમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા આમ કરવામાં કોઇની ય સાડાબારી ન રાખી. સંગઠનમાં મુખ્‍ય ફેરફારો થયા જેમ કે ભીખુભાઈ દલસાણીયાના સ્‍થાને રત્‍નાકરને સંગઠનના મહાસચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા. દલસાનિયાને બિહાર એકમના જનરલ સેક્રેટરી (સંગઠન) તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા.

આ વખતે ટિકીટ ફાળવણીમાં ભાજપાએ રમેશ ટિલારાને પસંદ કર્યા અને ટિલારા શ્રી ખોડલધામ ટેમ્‍પલ ટ્રસ્‍ટના વડા નરેશ પટેલની નજીક છે. સૌરાષ્ટ્રમાં તેમનો ખાસ્‍સો પ્રભાવ છે અને એ સોગઠી પણ ભાજપને ફળી કારણકે તેમનું સૌરાષ્ટ્રમાં સારો પ્રભાવ છે. પક્ષના કાર્યકરોએ આનો વિરોધ પણ કર્યો હતો પણ ભાજપાએ આ વિરોધ વહોરી લીધો.

કઇ રેલી ક્‍યાં કરાશે, કેમ ત્‍યાં કરાશે, કેવા ક્રાઉડને નેતાઓ ટાર્ગેટ કરશે એ બધી જ ચર્ચા અમિત શાહ સ્‍થાનિક નેતાઓ સાથે છેલ્લી ઘડી સુધી કરતા રહેતા. કોઇપણ પગલું કારણ વગર લેવાયું જ નથી. પ્રચાર સામગ્રીથી માંડીને ડોર ટુ ડોર પ્રચારમાં કેવી રીતે વાત કરાશે તેમાં પણ રાષ્ટ્રીય સ્‍તરે પહોંચેલા અમિત શાહે રસ લીધો. વળી પ્રચારને મામલે ચહેરાઓનું કાર્પેટ બોમ્‍બિંગ કરાયું એમ કહી શકાય.

(10:45 am IST)