મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

વચલી આંગળી દર્શાવવી એ અશ્લીલ ચાળોઃ મહિલાના વિનયભંગ બદલ છ મહિનાની સજા

મુંબઇ, તા., ૯: મહિલા અને તેના પુત્ર  સામે મીડલ ફીંગર દર્શાવીને અશ્લીલ શબ્દો બરાડીને ૬૬ વર્ષની મહિલાની જાતીય સતામણી કરવા બદલ વરલીના ૩૧ વર્ષના યુવાનને કસુરવાન ઠેરવીને છ મહિનાની જેલ સંભળાવી છે. ર૦૧૮માં હ્યુજીસ રોડ પર થયેલી ચકમકની આ ઘટના હતી. કોર્ટે નોંધ્યુ હતુ કે આ ગુના મારફત મહિલાના સન્માન સાથે જીવન જીવવાના મૂળભુત અધિકારનું હનન થયું છે. દરેક મહિલાને સમાજમાં માનભેર જીવવાનો અધિકાર છે. મહિલાના વિનયભંગ સંબંધી ગુનામાં તેનો આ હક જોખમાય છે. એમ ગિરગામ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ નહીમ એ.પટેલે જણાવ્યું હતું.

સારી વર્તણુકને લઇ બોન્ડ પર આરોપી અનિકેત પાટીલને છોડવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો. આરોપી તેના કૃત્યના પરીણામ સમજાય એટલો સમજદાર છે. આવા કેસમાં બિનજરૂરી ઉદારતા દાખવવાથી સમાજમાં ખોટો સંદેશ પહોંચી શકે છે. પાટીલને રૂ.એક હજારનો દંડ કરાયો હતો. આ કેસમાં મહતમ જેલ એક વર્ષની છે. મહિલાએ અન્ય આરોપી સામે પણ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હોવાની બચાવ પક્ષની દલીલને ફગાવીને કોર્ટે જણાવ્યું હતું કે આનો અર્થ એવો નથી કે મહિલાને પૈસા માટે આવા કેસ કરવાની આદત છે. કોઇ પણ મહિલા બે વાર વિનયભંગનો શિકાર બની શકે છે. ઉલ્ટાનું આ દુર્ભાગ્યની વાત છે કે તેની સાથે આવુ બે વાર બન્યું છે એમ કોર્ટે નોંધ્યું હતું. મહિલાને વચલી આંગળી (મિડલ ફીંગર) દર્શાવવીએ અશ્લીલ ચાળો શા માટે છે એ આદેશમાં જણાવાયું છે. આ ચાળાનો અર્થ મૂળ તો કોઇને જાતીય હિંસાની ધમકી આપવા માટે કરવામાં આવે છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે મહિલાનો પુત્ર વકીલ હોવાથી તેણે લાગવગ લગાવીને ખોટી એફઆઇઆર નોંધાવી છે. પણ કોર્ટે દલીલ ફગાવીને જણાવ્યું હતું કે વકીલ પણ ગુનાનો ભોગ બની શકે છે. ૬૬ વર્ષની કોઇ મહિલા આ રીતે નાની વાતને લઇ પોતાના ચારિત્ર્યને દાવ પર લગાવે નહી. કોઇ સજ્જન માણસ પોતાની માતાનો આવા ઝઘડામાં જાતીય સતામણીનો કેસ કરવા માટે ઉપયોગ કરે નહી એમ કોર્ટે નોંધ્યું હતું.

(12:54 pm IST)