મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

ટુંક સમયમાં જ કુન્નુર દુર્ઘટનાનું રહસ્ય ખુલશે : ક્રેશ થયેલા Mi-17V5 હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડર મળ્યું

CDS જનરલ બિપિન રાવત સાથે ગઈકાલે ક્રેશ થયેલા Mi-17V5 હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડર સ્થળ પરથી મળી આવ્યું છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, બિપિન રાવતે ગઈકાલે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ સ્થાનિક લોકોએ હેલિકોપ્ટર ક્રેશ થયાની જાણકારી આપી હતી.

આ પછી સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. તેમણે લોકસભામાં જણાવ્યું કે, અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને સંબોધવા માટે નિર્ધારિત મુલાકાતે હતા. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના (IAF)એ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રિ-સેવા તપાસનો આદેશ આપ્યો છે. તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. તપાસ ટીમ ગઈકાલે વેલિંગ્ટન પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

(12:52 pm IST)