મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

વૃક્ષ સાથે અથડાઇને આગનો ગોળો બની ગયુ'તું હેલીકોપ્‍ટર

જનરલ રાવત જે હેલીકોપ્‍ટરમાં હતા તે વિશ્વના શ્રેષ્‍ઠ હેલીકોપ્‍ટરો પૈકીનું એક હતું : ધડાકો એટલો ભયાનક હતો કે વિજળીના થાંભલા હલી ગયા : વૃક્ષો ઉખળી ગયા : આગની જ્‍વાળાઓથી લપેટાયેલા ઓફિસરો થોડુ ભાગ્‍યા બાદમાં ઢળી પડયા : દુર્ઘટના બાદ રાવત જીવિત હતાઃ બિપિન રાવત અને તેમના પત્‍નીના અંતિમ સંસ્‍કાર શુક્રવારે દિલ્‍હીમાં કરાશે

નવી દિલ્‍હી તા. ૯ : દેશના સૌથી મોટા સેનાધિકારી અને પહેલા સીડીએસ જનરલ બિપીનનું બુધવારે એક હેલીકોપ્‍ટર દુર્ઘટનામાં મોત થયું હતું. આ અકસ્‍માતમાં તેમની પત્‍ની મધુલિકા રાવત અને સૈન્‍યના ૧૧ જવાનોના જીવ ગયા હતા. જણાવી દઇએ કે જનરલ રાવત જે mi-17v5માં સવાર હતા તે વિશ્વના શ્રેષ્‍ઠ હેલીકોપ્‍ટરો પૈકીનું એક ગણાય છે.
મીડીયા રિપોર્ટસ અનુસાર હેલીકોપ્‍ટરના ક્રેશ થયા પછી પણ જનરલ રાવત જીવિત હતા. ઘટના સ્‍થળ પર હેલીકોપ્‍ટરના મલબામાંથી બહાર કાઢયા ત્‍યારે તેમણે ધીમા અવાજે હિંદીમાં પોતાનું નામ પણ જણાવ્‍યું હતું. બચાવ દળમાં સામેલ એક સભ્‍યએ આ માહિતી આપી છે. જનરલ રાવતની સાથે ગ્રુપ કેપ્‍ટન વરૂણસિંહને પણ કાઢવામાં આવ્‍યા હતા. જેની અત્‍યારે સારવાર ચાલે છે. ઉલ્લેખનિય છે કે, આ અકસ્‍માતમાં જીવિત રહેનાર તે એકમાત્ર વ્‍યકિત છે. આ હેલિકોપ્‍ટરમાં કુલ ૧૪ લોકો સવાર હતા જેમાંથી ૧૩ના મોત થઇ ચૂક્‍યા છે.
અકસ્‍માતની નજીકના વિસ્‍તારમાં રહેતી ચિત્રા સ્‍વામીએ નજરે જોયેલી આ ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે, મેં જોયું કે હેલીકોપ્‍ટર નીચે આવી ગયું અને એક મોટા ઝાડ સાથે અથડાયું અને જોરદાર ધડાકો થયો. હેલીકોપ્‍ટરમાંથી આગની જ્‍વાળાઓ નિકળવા લાગી. મેં મારા પાડોશીને બોલાવ્‍યા અને ઘટના સ્‍થળ તરફ ગયા. ત્‍યાં અમે જોયું કે હેલીકોપ્‍ટરમાંથી એક વ્‍યકિત આગની જ્‍વાળાઓ સાથે બહાર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ તે જમીન પર પડી ગયો હતો. ચિત્રાએ જણાવ્‍યું કે, હેલીકોપ્‍ટરમાંથી ૩-૪ લોકો બહાર નિકળ્‍યા, તે બધા બહુ ખરાબ રીતે દાઝેલા હતા.
બચાવ દળનો હિસ્‍સો બનેલ સીનીયર ફાયરમેન અને બચાવકર્મી એનસી મુરલીએ માહિતી આપી છે કે તેમણે બે લોકોને જીવતા બહાર કાઢયા હતા. તેમાંથી એક સીડીએસ બિપીન રાવત પણ હતા. મુરલીએ જણાવ્‍યું કે, બહાર કાઢયા પછી તેમણે બચાવ કર્મીઓ સાથે હિંદીમાં ધીમા અવાજે વાત કરી અને પોતાનું નામ જણાવ્‍યું. જો કે હોસ્‍પિટલ લઇ જતી વખતે રસ્‍તામાં જ તેમનું મોત થયું હતું.
બીબીસી હિન્‍દીના જણાવ્‍યા પ્રમાણે ૬૮ વર્ષના કૃષ્‍ણાસ્‍વામી અકસ્‍માત નજીક રહે છે તેમણે જણાવ્‍યું હતું કે, હું ઘર માટે લાકડા લેવા બહાર નીકળ્‍યો હતો ત્‍યારે ભયાનક અવાજ આવ્‍યો. જે એટલો ભીષણ હતો કે વિજળીના થાંભલા હલી ગયા હતા, વૃક્ષો ઉખડી ગયા હતા અને ધડાકા પછી ધુમાડો નિકળ્‍યો હતો. ધુમાડાને કારણે અંધારૂ થઇ ગયું હતું. વૃક્ષને પણ આગ લાગી હતી. એક માણસને સળગતો જોયો પછી તે નીચે પડી ગયો હતો. એ દ્રશ્‍ય ભયાનક હતું. હું પછીઘરે આવ્‍યો અને બાકીના લોકોને માહિતી આપી પછી પોલીસ અને ફાયર ફાઇટરને બોલાવાયા હતા.

 

(10:58 am IST)