મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

MCLR રેટમાં ૧૦ બેઝિક પોઇન્ટનો કાપ : લોકોને લાભ

ડિપોઝિટના રેટમાં કોઇ ફેરફાર કરવા ઇન્કાર : એસબીઆઈના એમસીએલઆર નવા રેટ આજે અમલી નાણાંકીય વર્ષમાં આઠમીવાર એમસીએલઆરમાં ઘટાડો

મુંબઈ, તા. ૯ : દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક એસબીઆઈએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણદર (એમસીએલઆર)માં ૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે. એક વર્ષ સુધીની અવધિ માટે લોન માટે ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૦મી ડિસેમ્બરથી નવા દરને અમલી કરવાનો નિર્ણય કરાયો છે. એક વર્ષની લોન માટે એમસીએલઆરના રેટમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડિપોઝિટના રેટ યથાવત રાખવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષમાં એમસીએલઆરમાં આઠમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા મહિનામાં પાંચ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મોટાભાગની બેંકો એક્સ્ટર્નલ બેંચમાર્ક સિસ્ટમની શરૃઆત થયા બાદ રેપો સાથે તેમના ધિરાણદરને જોડી દીધા છે.

               ૮મી વખત ઘટાડો કરવામાં આવ્યા બાદ લોન લેનાર લોકોને આંશિકરીતે લાભ થશે. જો કે, ધિરાણના દરો હાલના સમયમાં કસ્ટમરોને ફંડના ઘટી ગયેલા ખર્ચમાં લાભરુપે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે, ૧૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો વ્યાજદરમાં કરવામાં આવ્યો હોવા છતાં બેંકો તરફથી આનો પૂર્ણ લાભ સામાન્ય લોકોને આપવામાં આવ્યો નથી. પ્રાઇવેટ કોર્પોરેટ બોન્ડ માર્કેટ અને જુદા જુદા મની માર્કેટ સેગ્મેન્ટમાં સ્થિતિ હળવી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બેંકો દ્વારા આપવામાં આવતી લોન માટે ક્રેડિટ માર્કેટ ટ્રાન્સમિશનમાં વિલંબ થઇ રહ્યો છે પરંતુ તેજી આવી રહી છે.

              એક વર્ષના મધ્યમ એમસીએલઆરમાં ૪૯ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. ટ્રાન્સમિશન આવનાર દિવસોમાં વધુ સુધરી શકે છે. બેઝ રેટના લોનની હિસ્સેદારી અને વ્યાજદર પર હિસ્સેદારી હાલમાં ઘટી રહી છે. એસબીઆઈએ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યા નથી. નવેમ્બર ૨૦૧૯માં ડિપોઝિટના રેટમાં ૧૫ અને ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં અપૂરતી લિક્વિડીટીના પરિણામ સ્વરુપે આ ઘટાડો કરાયો હતો. બીજી બાજુ ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૧૯માં સિસ્ટમમાં એકંદરે લિક્વિડીટી સરપ્લસમાં રહી છે. સરેરાશ ડેઇલી આધાર પર સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. આરબીઆઈએ હાલમાં જ પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યા ન હતા. એસબીઆઈના નિર્ણયને ઉપયોગી ગણવામાં આવે છે.

(8:23 pm IST)