મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

લેવાલી વચ્ચે સેંસેક્સ ૪૨ પોઇન્ટ ઉછળીને અંતે બંધ

એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ બે ટકાનો ઉછાળો : ટીસીએસ શેરમાં ૩ ટકાથી વધુનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ઘટાડો : ઉથલપાથલનો દોર

મુંબઈ, તા. ૯ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૨ પોઇન્ટ ઉછળીને ૪૦૪૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એક્સિસ બેંકના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો જ્યારે ટીસીએસના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. આજે બ્લુચીપના શેરમાં લેવાલી જામી હતી જેમાં એચડીએફસી, રિલાયન્સ, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.  ટીસીએસના શેરમાં સૌથી વધુ ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈમાં નિફ્ટી ૧૬ પોઇન્ટ ઉછળીને ૧૧૯૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તેમાં મિશ્ર સ્થિતિ રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૧૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૦૯ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૬૮૧ રહી હતી. આવી જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૨૭૫ રહી હતી.

             સેન્ચુરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના શેરમાં બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી તેના શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. રેંજ આધારિત કારોબાર આજે જોવા મળ્યો હતો. ઓટો મોબાઇલ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. મારુતિ દ્વારા નવેમ્બર મહિનામાં તેના પ્રોડક્શનમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એશિયન શેરબજારમાં પણ આજે પ્રવાહી સ્થિતિ રહી હતી. અમેરિકામાં જોબના મજબૂત ડેટા જારી કરવામાં આવ્યા બાદ તેની અસર એશિયન શેરબજારમાં જોવા મળી હતી અને ઉછાળો નોંધાયો હતો. જાપાન બેંચમાર્ક નિક્કીમાં ૦.૩૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે તેમાં રિટેલ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે નવેમ્બર મહિના માટેના સીપીઆઈ આંકડા જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર રિટેલ ફુગાવાનો આંકડો ૪.૬૨ ટકા સુધી પહોંચી ગયો હતો.

            જે અગાઉના મહિનાના ૪.૯૯ ટકાના આંકડાથી વધારે હતો. ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજદરો યથાવત રહ્યા હતા. હાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.

(8:22 pm IST)