મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

પાનીપતને લઇને વિરોધ તીવ્ર બન્યો : પ્રતિબંધ મુકવા માંગ

રાજસ્થાનના સિનેમા હોલમાં તોડફોડ કરાઈ : સોશિયલ મિડિયા ઉપર પાનીપતનો બહિષ્કાર કરવા માટે માંગણી ઉઠી : સુરજમલને ખોટીરીતે દર્શાવાયાનો આરોપ

જયપુર, તા. ૯ : અર્જુન કપૂર, કૃતિ સનુન અને સંજયદત્ત અભિનીત ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ સોશિયલ મિડિયા ઉપર કેટલીક બાબતો ટ્રેન્ડ થઇ રહી છે. યુઝર્સ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સીનને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. લોકો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તથ્યોને લઇને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આશુતોષ ખુબ જ નિરાશાજનક ફિલ્મો બનાવે છે. આ પહેલા રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેન્દ્રસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં લઇને ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૃરી છે. કારણ કે, આના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે.

          તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે  છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે દ્વારા પણ ફિલ્મની ટિકા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, સ્વાભિમાની, નિષ્ઠાવાન મહારાજા સુરજમલનું ફિલ્મ નિર્માતા દ્વારા પાનીપતમાં યોગ્યરીતે ચિત્રણ કરવામાં આવ્યું નથી. ભરતપુરના જાટ સમુદાયના લોકો ભારે વાંધો ઉઠાવી રહ્યા છે. પાનીપતમાં મહાન મરાઠા યોદ્ધા સદાશીવરાવની ભૂમિકા અર્જુન કપુરે અદા કરી છે. મહારાજા સુરજમલ પાસેથી અફગાનની સામે મદદ કરવા માટે કહેવામાં આવે છે પરંતુ સુરજમલ બદલામાં કેટલીક ચીજોની માંગ કરે છે જ્યારે તેમની માંગો પૂર્ણ થતી નથી ત્યારે સદાશીવને યુદ્ધમાં સાથ આપવાનો ઇન્કાર કરી નાંખે છે. ફિલ્મમાં સુરજમલને લાલચી શાસક તરીકે દર્શાવવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં આ બાબત ખોટી છે.

           લોકો એ બાબતને લઇને દેખાવ કરી રહ્યા છે કે, ફિલ્મમાં જે સ્થાનિક લોકોને દર્શાવવામાં આવ્યા છે તે રાજસ્થાની અને હરિયાણી ભાષા બોલી રહ્યા છે જ્યારે અહીં પૂર્ણરીતે પશ્ચિમ હિન્દી ભાષા બોલવામાં આવે છે. આ સમગ્ર ઘટના અંગે અભિનેતા રણદીપ હુડાએ પણ પ્રતિક્રિયા આપી છે જે પોતે એક જાટ સમુદાયના છે. તેમણે કહ્યું છે કે, કોઇ એક સમુદાયને સારી રીતે રજૂ કરવા જરૃરી નથી કે, બીજાને નિચલા સ્તરમાં દર્શાવવામાં આવે. આનાથી ખોટા પ્રભાવ પડે છે. ભવિષ્યમાં વધારે પરિપક્વતા દર્શાવવામાં આવે તે જરૃરી છે. રણદીપે કહ્યું છે કે, નારાજ થનાર લોકો માટે આ એક ફિલ્મ છે. આનાથી પોતાના પૂર્વજોને જોડવાની જરૃર નથી.

(8:17 pm IST)