યુવકે મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડ પર ગેન્ગરેપ કરી માતાની મદદથી જીવતી સળગાવી
ત્રિપુરાથી પણ આવી જ એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે
અગરતાલા તા : હૈદ્રાબાદ અને ઉન્નાવમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને આગને હવાલે કરવાની ઘટનાઓએ દેશમાં પહેલાંથી જ ગુસ્સાઓ માહોલ ઊભો કરી દીધો છે. બીજી તરફ હવે ત્રિપુરાથી પણ આવી જ એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ૧૭ વર્ષની એક છોકરીને તેના પ્રેમી અને યુવકની માતાએ દક્ષિણ ત્રિપુરાના શાંતિરબજારમાં આગને હવાલે કરી દીધી. મળતી માહીતી મુજબ આ ઘટનાને અંજામ આપતા પહેલાં બે મહિના સુધી છોકરીને બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ દરમ્યાન છોકરીના પ્રેમી અને તેના મિત્રોએ તેની સાથે અનેકવાર ગેન્ગરેપ કર્યા. આગ ચાંપવાના કારણે છોકરી ૯૦ ટકા સુધી બળી ગઇ . પાડોશીઓએ છોકરીને તાત્કાલીક હોસિપટલમાં દાખલ કરાવી જયાં તેનું મોત થયું.
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે યુવતીને છેલ્લા બે મહિનાથી બંધક બનાવીને પૈસાની માગણી કરવામાં આવી રહી હતી.
મામલાની તપાસ કરી રહેલા એસપી (દક્ષિણ ત્રિપુરા) જલસિંહ મીણા મુજબ આ મામલાના મુખ્ય આરોપી અજયની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ છોકરી યુવક સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મળી હતી. દિવાળીના સમયે આરોપી યુવક છોકરીના ઘરે પહોંચ્યો અને લગ્ન કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો, ત્યાર બાદથી છોકરી યુવક સાથે રહેવા લાગી હતી. પરિવારજનોનો આરોપ છે કે, ત્યારબાદ આરોપીએ તેને બળજબરીથી બંધક બનાવી દીધી અને પૈસાની માગણી કરવા લાગ્યા. મળતી માહીતી મુજબ આરોપીએ મિત્રોની સાથે મળી છોકરી સાથે અનેકવાર ગેન્ગરેપ કર્યા પીડિતાની માતાનું કહેવું છે કે જયારે છોકરી ગુમ થઇ તેઓએ તેની ફરિયાદ નોંધાવી હતી.